પોર્ટથી આશરે ૮ નોટિકલ માઈલ દૂર પહોંચતા જ જહાજના એન્જિનમાં ટર્બો ફાટવાને કારણે અચાનક આગ લાગી હતી
Bhuj, તા.૩૧
માંડવીની હાજી એન્ડ સન્સ પેઢીનું એક મોટર વ્હીકલ જહાજ સોમાલિયાના કિનારે આગની લપેટમાં આવી જતાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતુ. સદભાગ્યે, જહાજ પર સવાર તમામ ૧૬ ખલાસીઓનો આ દુર્ઘટનામાં બચાવ થયો હતો. માંડવીનું ‘ફઝલે રબ્બી વહાણ’ (નંબર એમ.એસ.વી. ૨૧૯૨) સોમાલિયાના કિસ્માયુ બંદરેથી દુબઈ જવા માટે રવાના થયું હતું. પોર્ટથી આશરે ૮ નોટિકલ માઈલ દૂર પહોંચતા જ જહાજના એન્જિનમાં ટર્બો ફાટવાને કારણે અચાનક આગ લાગી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં, જહાજ પર હાજર તમામ ૧૬ ખલાસીઓએ પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક દરિયામાં કૂદી પડ્યા હતા. સ્થાનિક કોસ્ટગાર્ડ અને તે જ પેઢીના અન્ય એક જહાજ ‘અલ ફઝલ’ (એમ.એન.વી. ૨૦૩૧)ની મદદથી તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.ખલાસીઓ માંડવીના રહેવાસી છે અને તેમને બચાવ જહાજ મારફતે લવાશે જેમાં ટંડેલ રજબઅલી હુસેન આગરિયા અને ક્રૂ મેમ્બરોમાં અબ્દુલ મજીદ નોડે, આરીફ ઇસ્માઇલ કટિયાર, ફિરોઝ હનીફ સોઢા, કિશોરચંદ્ર ગોવિંદ ખાડઈવાલા, મહમદ અમીન યુનુસ થેમ, મજીદ રઝાદ સિદી, મામદ અબ્દુલ ભટ્ટી, મામદ સુલેમાન લુહાર, મુસ્તાક અબ્દુલસતાર સમા, સલીમ આદમ આગરિયા, સમીર ઇલિયાસ ભોલીમ, શૌક્તહુસેન કાસમ જુસબાણી, સાહીદ હારુન રૂમી, શકીલઅહમદ અ. મજીદ અને કયૂમ નૂરમામદભાઈ પંજાબીનો સમાવેશ થાય છે.




