Mangalore,તા.6
ન્યૂમ્બિયો સેફ્ટી ઇન્ડેક્સના મધ્ય-2025ના તાજા રેન્કિંગ મુજબ ભારત વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાં 67મા ક્રમે છે, જેમાં દેશનો સેફ્ટી ઇન્ડેક્સ સ્કોર 55.8 નોંધાયો છે.
શહેરવાર સુરક્ષાના મામલે, મેંગલુરુંને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. ઓછી ગુનાહિત પ્રવૃત્તિ અને મજબૂત નાગરિક ઢાંચાને કારણે મંગલુને વૈશ્વિક સ્તરે પણ 49મું સ્થાન મળ્યું છે અને તેનો સેફ્ટી સ્કોર 74.2 નોંધાયો છે.
ગુજરાતમાં વડોદરા, અમદાવાદ અને સુરત ટોપ 10 સુરક્ષિત ભારતીય શહેરોની યાદીમાં સ્થાન ધરાવે છે. વડોદરાનો સેફ્ટી સ્કોર 69.2, અમદાવાદનો 68.2 અને સુરતનો 66.6 નોંધાયો છે.
બીજી તરફ, દેશની રાજધાની નવું દિલ્હી, સાથે જ નોઇડા અને ગાઝિયાબાદને સૌથી અસુરક્ષિત ભારતીય શહેરોમાં સ્થાન મળ્યું છે. મહિલાઓની સુરક્ષા અંગે વધતી ચિંતા અને ગુનાહિત દરને કારણે આ શહેરો સૂચિના તળિયે પહોંચી ગયા છે. દિલ્હીના ક્રાઇમ ઇન્ડેક્સનો સ્કોર 59.03, ગાઝિયાબાદનો 58.44 અને નોઇડાનો 55.1 છે.
ન્યૂમ્બિયોએ દિવસ અને રાત્રિના સમયે લોકો કેટલા સુરક્ષિત અનુભવે છે તે અંગે સર્વે કર્યો હતો. તેમાં લૂંટફાટ, ચોરી, કાર ચોરી, અજાણ્યા લોકો દ્વારા હુમલો, જાહેર સ્થળોએ સતામણી અને ત્વચાના રંગ, જાતિ, લિંગ અથવા ધર્મના આધાર પર ભેદભાવ જેવા ખતરાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત મિલ્કતના ગુનાઓ જેમ કે તોડફોડ, ચોરી, તેમજ હિંસક ગુનાઓ જેમ કે હુમલો અને હત્યાનો પણ સમાવેશ થાય છે.