Keshod તા.7
સૌરાષ્ટ્રની કેસર કેરીની દુનિયાભરમાં નિકાસ થાય છે છતાં તેના પરિવહનની તકલીફોને કારણે અનેકવિધ વિઘ્નો સર્જાતા હોય છે. હવે સરકાર કેશોદ એરપોર્ટ પર કાર્ગો સુવિધા ઉભી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. તેને પગલે કેરીની નિકાસમાં સરળતા ઉભી થઈ શકે છે.
સૌરાષ્ટ્રની વિખ્યાત કેસર કેરીની નિકાસ સરળ બનાવવાના ઉદેશ સાથે કેશોદ એરપોર્ટ પર એરકાર્ગો સુવિધા શરૂ કરવા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ યોજના તૈયાર કરી છે. કેશોદ એરપોર્ટનું વિસ્તરણ 2027 માં પૂર્ણ થયા બાદ કાર્ગો સુવિધા શરૂ હશે જેના પગલે કેરીની સીધી નિકાસ શકય બનશે. કેસર કેરીના જુનાગઢ, ગીર સોમનાથ તથા અમરેલી જેવા મુખ્ય ઉત્પાદન મથકોથી કેશોદ નજીક છે એટલે નિકાસમાં સરળતા રહેશે.
સૌરાષ્ટ્રનાં 11 જીલ્લામાં અંદાજીત 40 હજાર હેકટરમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે.વાર્ષિક ઉત્પાદન સરેરાશ 2.8 મેટ્રીક ટન છે.પરિવહન વિઘ્નોને કારણે મોટાભાગનાં ઉત્પાદન ઘર આંગણે જ ઉપયોગમાં લેવુ પડે છે.
ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 3000 ટન કેરીની નિકાસ થઈ છે.મહારાષ્ટ્રને નિકાસ કનેકટીવીટી મળતી હોવાથી ત્યાંથી 40,000 ટન કેરીની નિકાસ થઈ હતી. સૌરાષ્ટ્રની કેસર કેરી મુંબઈ પહોંચાડવામાં 800 કીમીનું અંતર કાપવુ પડે છે અને ત્યારબાદ નિકાસ શકય બને છે. આ દરમ્યાન માલ બગડી જવાનું પણ જોખમ રહે છે.
એરપોર્ટ મેનેજર શફીક શાહે કહ્યું કે નવુ ટર્મીનલ તૈયાર થયા બાદ જુના ટર્મીનલોનો ઉપયોગ કાર્ગો સુવિધા માટે શકય બનશે. વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, તથા એકસ-રે સુવિધા માટે સૈધ્ધાંતિક મંજુરી મળી ગઈ છે.
એરપોર્ટનુ 363 કરોડના ખર્ચે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. નવુ ટર્મીનલ બનતા એક સાથે 800 પ્રવાસીઓને હેન્ડલ કરી શકાશે. એરપોર્ટ વિસ્તરણ માટે 205 એકર વધારાની જમીન મેળવવામાં આવી હતી. રન-વે 1371 મીટરથી વધીને 2500 મીટરનો થશે અને મોટા વિમાનનાં ઉતરાણ શકય બનશે

