Ahmedabad,તા.4
ચોમાસાના વરસાદમાં રાજયભરમાં ભાંગેલા રસ્તા, ગંભીરાબ્રિજ દુર્ઘટના, સિંહોના અપમૃત્યુ તથા ગંદાપાણી-ગટર જેવા પાયાના પ્રશ્નો જેવા મુદ્દાઓ પર ભાજપના જ એક પછી એક નેતાઓ મેદાને આવતા રહ્યા હોય તેમ હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના જર્જરીત પુલ વિશે મુખ્યમત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવીને સવાલ ઉઠાવ્યા છે.
ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી પોતાની જ સરકાર સામે બાયો ચડાવી છે અને ગુજરાતમાં ખખડધજ રસ્તાઓ અને જર્જરિત બ્રિજની પોલ ખોલી છે.
તેમણે રાજ્ય સરકારને પત્ર લખીને માંગ કરી છે કે, ’ભરૂચથી આમોદ જંબુસર નજીક એન.એચ 64 પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ જર્જરિત છે. જેથી આ બ્રિજનું સમારકામ અને અન્ય બ્રિજ બંધ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે.’
ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજકીય કે સામાજિક મુદ્દે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રીને પત્ર લખવાના તેમના વલણને લઈને અનેક વખત ચર્ચામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે ખખડધજ રસ્તા અને જર્જરિત બ્રિજ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
સોશિલય મીડિયા પ્લેટફોર્મ X’ પર મનસુખ વસાવાએ લખ્યું ’મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચથી આમોદ જંબુસર નજીક એન.એચ 64 પર બનેલ ઢાઢર બ્રિજ તથા અન્ય નાના બ્રિજ જર્જરિત છે.
આ ઉપરાંત એન.એચ. 753 (બી) નેત્રંગથી દેડિયાપાડા, સાગબારા મહારાષ્ટ્ર સરહદની વચ્ચે મોટી નદી ઉપર બ્રિજ પણ જર્જરિત હોવાથી મોટા વાહનો માટે બંધ કરાયો છે.
જેના લીધે ઉદ્યોગ જગત તથા સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી આ માર્ગો પર રાબેતા મુજબ વાહન વ્યવહાર ચલાવવા રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને જર્જરિત બ્રિજના સમારકામની જરૂર છે.’
અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. હાર્દિકે પત્રમાં લખ્યું કે, ’વિરમગામના લોકોને મારી પાસે અપેક્ષા હતી કે, શહેરમાં ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિરાકરણ આવે, પરંતુ કોઈક કારણસર આ ઉકેલ આવ્યો નથી. વિરમગામના શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, પાણીમાં ખરાબ પાણી મિક્સ આવવું અને સ્વચ્છતાને લઈને સ્થાનિકો અનેક ફરિયાદો કરે છે.’
ઉપવાસ આંદોલન ચીમકી ઉચ્ચારતા હાર્દિકે પત્રમાં લખ્યું,કે, ’વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીનો અભાવ છે, હું માનું છું. પરંતુ પ્રજાની સમસ્યાનો પાલિકાએ નિકાલ કરવો જોઈએ, પણ એ થઈ રહ્યું નથી. દબાણવાળી જગ્યાએથી દબાણ દૂર કર્યા બાદ, ટેન્ડર મંજૂર થયા છતાં પણ વિકાસના કામો થઈ રહ્યા નથી. મારે લોકો સાથે ઊભું રહેવું પડશે. સમગ્ર મામલે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી તો પણ કરીશું.’
આ પછી અમરેલી પંથકમાં સિંહોના ભેદી મોત મામલે ધારીના ભાજપના જ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી તપાસ માંગી હતી અને વનવિભાગની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવ્યા હતા. આમ એક પછી એક નેતાઓ મેદાને આવતા રાજકીય ગરમાવો છે.