Birmingham,તા.07
ભારતે બર્મિંગહામ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 336 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ ભારતનો હોમગ્રાઉન્ડની બહાર રનના માર્જિનથી સૌથી મોટો વિજય હતો. ટીમે બર્મિંગહામમાં પહેલીવાર ટેસ્ટ જીતી હતી.
આકાશદીપે મેચમાં 187 રન આપીને 10 વિકેટ લીધી હતી. આ બર્મિંગહામમાં ભારતીય બોલર દ્વારા શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ હતો.
બર્મિંગહામ ટેસ્ટના રેકોર્ડ
► બર્મિંગહામમાં ભારત પહેલીવાર જીત્યું
ભારતે બર્મિંગહામમાં પહેલી વાર ટેસ્ટ જીતી. ટીમ 1967 થી અહીં ટેસ્ટ રમી રહી છે, પરંતુ પહેલી વાર જીત મેળવી. ભારતે અગાઉ બર્મિંગહામમાં 8 ટેસ્ટ રમી હતી, જેમાં 7 હારનો સામનો કરવો પડ્યો હતો અને માત્ર 1 ડ્રો થયો હતો. કેપ્ટન શુભમન બર્મિંગહામમાં ટેસ્ટ જીતનાર ભારતના એકમાત્ર કેપ્ટન બન્યા.
► આકાશદીપે બર્મિંગહામમાં શ્રેષ્ઠ બોલિંગ કરી
આકાશદીપે બર્મિંગહામ ટેસ્ટના પ્રથમ દાવમાં 4 અને બીજા દાવમાં 6 વિકેટ લીધી હતી. તેણે 187 રન આપીને 10 વિકેટ સાથે મેચ પૂરી કરી. તે બર્મિંગહામમાં શ્રેષ્ઠ બોલિંગ કરનાર ભારતીય બન્યો. તેના પહેલા 1986માં ચેતન શર્માએ મેચમાં 188 રન આપીને 10 વિકેટ લીધી હતી.
► શુભમન ભારત માટે એક જ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
શુભમન ગિલે પહેલી ઇનિંગમાં 269 રન બનાવ્યા બાદ બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા. તેણે એક ટેસ્ટમાં 430 રન બનાવ્યા. આ ભારતીય ખેલાડી અને કેપ્ટન દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, જેમણે 2017 માં શ્રીલંકા સામેની મેચમાં કેપ્ટનશીપ દરમિયાન 293 રન બનાવ્યા હતા.
► ભારતે પહેલી વખત એક જ ટેસ્ટમાં હજાર રન બનાવ્યા
ભારતે પહેલી ઇનિંગમાં 587 રન અને બીજી ઇનિંગમાં 427 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ મેચમાં 1014 રન બનાવ્યા હતા. ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વાર ભારતે 1000 રનનો આંકડો પાર કર્યો હતો. આ પહેલા 2003માં ભારતે સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 916 રન બનાવ્યા હતા.