Mumbai,તા.07
છેલ્લા એક વર્ષમાં ટીમ ઈન્ડિયામાં ઘણાંં ફેરફારો જોવા મળ્યા છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણાંં નવા ખેલાડીઓએ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ આ ફેરફારના કારણે સોશિયલ મીડિયા પર ચાહકોથી લઈને નિષ્ણાતોના નિશાન પર ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર છે. ગંભીર પર આરોપ લાગી રહ્યા છે કે, તેઓ હેડ કોચના પદ પર આવ્યા પછી જ આ ફેરફારો થયા છે. જોવા જઈએ તો આ સાચું પણ છે પરંતુ પડદા પાછળ ચીફ સિલેક્ટર અજિત અગરકરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેની એન્ટ્રી પછી ઘણાંં ભારતીય ક્રિકેટના ઘણાં દિગ્ગજો રિટાયર થઈ ગયા છે.
અજિત અગરકર જુલાઈ 2023માં ટીમ ઈન્ડિયાના સિલેક્ટર બન્યા હતા. આ સમયે ટીમ ઈન્ડિયામાં ફેરફારની વાતો થઈ રહી હતી, પરંતુ થતું દેખાતું નહોતું. પરંતુ અગરકરે ચાર્જ સંભાળ્યા પછી તેણે ધીમે-ધીમે ફેરફારની પ્રક્રિયા શરૂ કરી અને તેની શરૂઆત ટેસ્ટ ટીમના બે મોટા દિગ્ગજોથી થઈ.
ચેતેશ્વર પૂજારા
છેલ્લા દાયકામાં ભારતીય ટીમ માટે ટેસ્ટ બેટ્સમેન તરીકે સૌથી મોટી ઓળખ બનાવનાર ચેતેશ્વર પુજારાનું પત્તું સૌથી પહેલા કપાયું. 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં રમ્યા બાદ પૂજારાને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ ફાઈનલ પછી જ અગરકર ચીફ સિલેક્ટર બન્યો હતો, અને પછી પુજારાની વાપસી ન થઈ શકી. ટીમમાંથી બહાર થયા બાદ પણ પૂજારાએ ડોમેસ્ટિક અને કાઉન્ટી ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું અને રન પણ બનાવ્યા. પરંતુ જ્યારે આ બધું નિષ્ફળ ગયું અને અગરકરની પસંદગી સમિતિ તેમના માટે પોતાના દરવાજા ન ખોલ્યા ત્યારે પુજારાએ તાજેતરમાં જ સંન્યાસનું એલાન કરી દીધું.
અજિંક્ય રહાણે
પુજારાની જેમ જ અજિંક્ય રહાણે પણ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ બેટિંગનો મુખ્ય આધાર હતો અને ઘણી વખત ટીમમાંથી બહાર થયા બાદ ટીમમાં વાપસી પણ કરી. WTC 2023ની ફાઈનલમાં તેની વાપસી એવી જ હતી, જ્યાં તેણે સૌથી વધુ રન પણ બનાવ્યા હતા. ત્યારબાદ બીજી જ સીરિઝ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી જ્યાં રહાણેને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. પરંતુ અગરકરે કમાન સંભાળતાની સાથે જ આગામી સારિઝથી જ રહાણે માટે ટીમના દરવાજા બંધ થઈ ગયા. આ સ્ટાર બેટ્સમેન ત્યારથી નિયમિતપણે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે, પરંતુ હવે તેની વાપસીની શક્યતા ઓછી છે, અને તે ગમે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
રવિચંદ્રન અશ્વિન
છેલ્લા એક દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાના સૌથી મોટા કારણોમાંથી એક રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અચાનક નિવૃત્તિ લઈ લીધી હતી. જોકે, સીરિઝ વચ્ચે અશ્વિનની નિવૃત્તિ આશ્ચર્યજનક હતી, અને આની પાછળ કદાચ અગરકર સંપૂર્ણપણે જવાબદાર ન હતા. ગંભીરે આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય તેવું લાગે છે, તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને સતત ત્રણ ટેસ્ટમાં તક ન આપી. પરંતુ શું ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલુ સીરિઝમાં હાર બાદ સિલેક્ટર અગરકરે અશ્વિનને કોઈ ફેરફારનો સંકેત આપ્યો હતો?
રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું અચાનક આસમાન પરથી જમીન પર આવવું ખૂબ જ ચોંકાવનારું રહ્યું છે. ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં રોહિતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેમ છતાં તેણે રમવાનું ચાલુ રાખવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ મે મહિનામાં તેણે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. હવે, વન-ડે ફોર્મેટમાં અગરકરે રોહિત પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી છે, જેનાથી કદાચ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફોર્મેટમાં પણ ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નથી.
વિરાટ કોહલી
સચિન તેંડુલકર બાદ ભારતીય ક્રિકેટ અને કદાચ વિશ્વ ક્રિકેટમાં પણ સૌથી મોટો બેટ્સમેન વિરાટ કોહલી અચાનક એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવશે તેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. પરંતુ અગરકર અને ગંભીરે ટીમમાં ફેરફારોનો હવાલો આપીને આ દિગ્ગજ બેટ્સમેનને સ્પષ્ટ કરી દીધું કે, ટીમ ઈન્ડિયા તેના વિના પણ આગળ વધવા માટે તૈયાર છે, અને જો કોહલી ટૂંક સમયમાં વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી દે તો તે આશ્ચર્યજનક નથી.
મોહમ્મદ શમી
આ યાદીમાં તાજુ નામ સ્ટાર ફાસ્ટ બોલર શમીનું છે. છેલ્લા 8-9 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની સફળતા અને પછી સતત બે વન-ડે વર્લ્ડ કપમાં લગભગ 40 વિકેટ લઈ ચૂકેલો શમી અચાનક દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની યોજનાઓમાંથી બહાર નજર આવી રહ્યો છે. 2023 વર્લ્ડ કપ પછી આખા વર્ષ સુધી ફિટનેસ સાથે સંઘર્ષ કર્યા પછી શમીએ આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસી કરીને નવ વિકેટ લીધી અને ટીમને વિજય અપાવ્યો હતો. જોકે, ફિટનેસના નામ પર તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેનું સિલેક્શન કરવામાં ન આવ્યું, અને હવે કોઈ પણ કારણ જણાવ્યા વિના તેને ઓસ્ટ્રેલિયામાં વન-ડે સીરિઝમાંથી પણ બહાર રાખવામાં આવ્યો. સ્પષ્ટપણે અગરકર એન્ડ કંપનીએ શમીનું ભવિષ્ય નક્કી કરી લીધું છે.