રાજકોટ જિલ્લામાં જળસંચયની નોંધપાત્ર કામગીરી કરતો સિંચાઈ વિભાગ
છેલ્લા બે વર્ષમાં રૂ. ૩૬૪.૨૯ લાખના ખર્ચે કુલ ૭૪ ચેકડેમનું સમારકામ કરાયું
૧૯ નાની સિંચાઇ યોજનાઓમાં મરામત અને જાળવણીની કામગીરી પૂર્ણ
गंगे च यमुने चैव गोदावरी सरस्वती।
नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरु।
આપણા પુરાણોમાં ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી નદીઓને માતાનું સ્થાન આપીને જળનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. પાણી વગર પૃથ્વી પર રહેવું અશક્ય છે. ત્યારે લોકોમાં પાણી અંગે જાગૃતતા લાવવા વિશ્વભરમાં દર વર્ષે તા. ૨૨ માર્ચને “વિશ્વ જળ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધર્યા છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં જળસંચયની નોંધપાત્ર કામગીરી થઇ રહી છે.
રાજકોટ સિંચાઈ યોજના વિભાગના એક્ઝીક્યુટીવ એન્જીનીયરશ્રી બી.પી.ભીમજીયાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧ વર્ષમાં અંદાજે રૂ. ૩૮૭.૭૦ લાખના ખર્ચે પાણી સંગ્રહ થાય અને ખેતીલાયક વિસ્તારને પણ લાભ થાય તે હેતુસર સોમપીપળીયા નાની સિંચાઈ યોજના બનાવવામાં આવી છે, જેનાથી આશરે ૪૦૦ હેકટર જમીનમાં સિંચાઇનો લાભ મળી રહેશે. રૂ. ૩૧૯.૨૯ લાખના ખર્ચે ચાર નવા ચેકડેમ (બેડલા-૧, બેડલા-૨, રામપરબેટી, ચરખડી) બનાવવામાં આવ્યા છે, જેનાથી અંદાજે ૫૦૦ હેકટર જમીનમાં સિંચાઇનો લાભ મળી રહેશે. તેમજ વર્ષ ૨૦૨૩માં ૩૯ અને વર્ષ ૨૦૨૪માં ૩૫ એમ બે વર્ષમાં કુલ ૭૪ ચેકડેમનું રૂ. ૩૬૪.૨૯ લાખના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું છે, જેનાથી અંદાજે ૧૫૦૦ હેકટર જમીનમાં સિંચાઇનો લાભ મળી રહેશે.
આ ઉપરાંત, છેલ્લા એક વર્ષમાં જળ સંસાધન યોજનાઓની કેનાલ સાફ કરવામાં આવી છે. જેમાં અંદાજીત રૂ. ૩૨.૦૧ લાખના ખર્ચે ભાદર-૨ યોજનાની ૪૦ કિ.મી.ની કેનાલ, જેનો લાભદાયી વિસ્તાર ૯૯૬૫ હેક્ટર છે. અંદાજીત રૂ. ૬.૩૮ લાખના ખર્ચે સુરવો યોજનાની ૪.૯૫ કિ.મી.ની ઓપન કેનાલ, જેનો લાભદાયી વિસ્તાર ૨૬૧૦ હેક્ટર છે. અંદાજીત રૂ. ૪.૭૪ લાખના ખર્ચે સોડવદર યોજનાની ૮ કિ.મી.ની કેનાલ, જેનો લાભદાયી વિસ્તાર ૮૫૫ હેક્ટર છે. અંદાજીત ૦.૮૦ લાખના ખર્ચે માલગઢ યોજનાની ૪.૪૪ કિ.મી.ની કેનાલ, જેનો લાભદાયી વિસ્તાર ૩૬૫ હેક્ટર છે. તેમજ મોતીસર યોજનાની કેનાલ સાફ કરવામાં આવી છે, જેનો લાભદાયી વિસ્તાર ૨૧૦ હેક્ટર છે.
સિંચાઇ પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૧૯ નાની સિંચાઇ યોજનાઓમાં જરૂરી મરામત અને જાળવણી કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે તેમજ અન્ય નાની સિંચાઇ યોજનાઓમાં હાલ કામગીરી વિવિધ તબક્કે પ્રગતિમાં છે. આમ, જળસંચય ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કામગીરી સુચારુ રૂપે કરવામાં આવી રહી છે.
જસદણ તાલુકાની જીવાદોરી સમાન – આલણસાગર ડેમ
ઈ.સ. ૧૯૦૧માં જસદણ સ્ટેટના રાજવીશ્રી આલા ખાચર દ્વારા રૂ. ૨.૨૫ લાખના ખર્ચે આલણસાગર નાની સિંચાઈ યોજના તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાથી જસદણ તાલુકાના જસદણ, આટકોટ, નાની લાખાવાડ, શિવરાજપુર, શાંતિનગર, કોઠી, પોલારપર, બાખલવડ વગેરે ગામોને પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહે છે. આ નાની સિંચાઈ યોજના જસદણ તાલુકાની જીવાદોરી સમાન છે. જેમાં વેસ્ટ વિયર મરામત, માટીપાળા મરામત, નવું સ્ટોન પિચિંગ વર્ક, એચ.આર. ગેટ મરામત અને નવા ઇન્સ્પેકશન બંગલો બનાવવાનું કામ વગેરે મળીને કુલ અંદાજિત રૂ. ૨.૩૧ કરોડના ખર્ચે રેસ્ટોરેશન અને મરામત કરવામાં આવ્યું છે.
આલેખન : રિધ્ધિ ત્રિવેદી, માર્ગી મહેતા

