Rajkot,તા.08
145 કમિશન એજન્ટનાં નાણાં ચાઉં કરી પેઢીના ડિરેક્ટરો ભૂગર્ભમાં ઉતરી જતાં યાર્ડમાં અચોક્કસ મુદ્દતની હડતાળ
જે કે ટ્રેડિંગનાં બંને ડિરેક્ટરોનાં આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ બ્લોક કરવા તેમજ તાત્કાલિક ઝડપી લેવાની માંગ સાથે પોલીસ કમિશ્નરને રજુઆત
જીરાના ભાવમાં મોટી ઉથલ પાથલ થવાના કારણે રાજકોટ માકેટીંગ યાર્ડની ત્રણ પેઢીઓ કાચી પડી હતી. જેના પગલે વેપારીઓ અને દલાલના 20 કરોડથી વધુ રૂપિયા સલવાતા આજથી માકેટીંગ યાર્ડમાં અચોકકસ મુદતનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા અપાયેલા અમુદતી બંધના એલાનના રાજયભરના માકેટીંગ યાર્ડો પર પડયા છે. જીરાના ભાવમાં આવેલા વેરિએશનના કારણે રાજકોટ માકેટીંગ યાર્ડમાં બીપીનભાઇ ઢોલરિયા અને નિતેશભાઈ ઢોલરીયાની માલીકીની જે.કે. ટ્રેડિંગ પેઢી કાચી પડી છે. યાર્ડના 145 દલાલોના 17.19 કરોડની વધુ રૂપિયા સલવાયા છે. જયારે અન્ય બે પેઢીઓ દ્વારા નાણાં આપી દેવાની ખાતરી આપી દેવામાં આવી છે.
જે કે ટ્રેડિંગ સહીત કુલ ત્રણ પેઢીઓ કાચી પડવાના મામલે યાર્ડમાં છેલ્લા એકાદ સપ્તાહથી બેઠકોનો ધમધમાટ ચાલતો હતો. પરંતુ દલાલ મિત્રોના કરોડો રૂપિયા સલવાયા છે. જેનો કોઇ નિવેડો ન આવતા આજથી કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા અચોકકસ મુદત માટે રાજકોટ માકેટીંગ યાર્ડમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખરીદ-વેચાણની હરરાજી અટકાવી દેવામાં આવી છે. કાચી પડેલી ત્રણ પૈકી જે કે ટ્રેડિંગનાં માલિકો ભુગર્ભમાં ઉતરી ગયા છે. જીરાના ભાવમાં આવેલા આવેલા અકલ્પનીય વેરિએશનના કારણે પેઢીના માલીકોએ દલાલ ભાઇઓને રૂપિયા ચૂકવવામાં અસમર્થતા દર્શાવી છે. ગત વર્ષ જીરાના ભાવ આસમાને આંબ્યાં હતા. જયારે આ વર્ષે ભાવમાં મોટો ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે પેઢીઓ કાચી પડી છે. હવે માકેટીંગ યાર્ડમાં વેપાર કરવો દલાલ મિત્રો માટે ખુબ જ જોખમી બની ગયો છે. કારણ કે કમિશનની ટકાવારી માત્ર 1 ટકો છે. જયારે જોખમ 100 ટકા રહેલું છે. દર વર્ષ કોઇ એક જણસીના ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળે છે. જેનો ભોગ દલાલોએ બનવો પડે છે. યાર્ડમાં જીરાના ભાવમાં આવેલી મોટી ઉથલ પાથલના કારણે હવે દલાલ મિત્રો અચોકકસ મુદત સુધી યાર્ડ બંધ રાખવાનું એલાન આપવા માટે મજબુત બન્યા છે. બીજી તરફ સરકાર દ્વારા નિયમો પણ આકરા બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે યાર્ડમાં વેપાર કરવો વેપારી, દલાલો કે કમિશન માટે મુશ્કેલ બની ગયો છે.
મામલામાં રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં કમિશન એજન્ટ એસોસિએશનનાં હોદેદારો પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયા હતા. તેમણે પોલીસ કમિશ્નરને મળી લેખિત અને મૌખિક રજુઆત કરતા જણાવ્યું હતું કે, તમામ દલાલો જાહેર હરરાજીમાં માલનું વેચાણ કરે છે અમે ત્યારબાદ ખરીદનાર ચેકથી પેમેન્ટ કરે છે. આ નિયમથી જ જે કે ટ્રેડિંગ કંપનીનાં માલિકો બિપીનભાઈ ઢોલરીયા અને નિતેશભાઈ ઢોલરીયા દ્વારા જાહેર હરરાજીમાં માલની ખરીદી કરી અને પેમેન્ટ માટે ચેક આપેલ હતા. જે ચેકની રકમ રૂ. 17,19,50,059 ની ઠગાઈ આચરી લીધાનું જણાઈ આવ્યું છે. હાલ પેઢીના બંને માલિકો ફરાર થઇ ગયેલા છે તેમજ બંનેનાં મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ છે. વધુમાં વેપારીઓએ શંકા દર્શાવી હતી કે, બંને વેપારીઓ વિદેશ ભાગી જશે. જેથી વેપારીઓએ બંને શખ્સોંનાં પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક ખાતા તાતકાલિક બ્લોક કરી દેવા તેમજ બંનેને ઝડપી લેવા રજુઆત કરી હતી.