Mumbai,તા.26
જાપાનની સૂઝુકી મોટર્સના ભારત ખાતેના સાહસ- મારૂતી સુઝુકીએ આ કંપનીનું સૌથી મોટું ઉત્પાદન એકમ બનવાની સાથે ભારતીય કંપની મારૂતી સુઝુકીએ અમેરિકન જાયન્ટ ફોર્ડ તથા જનરલ મોટર ઉપરાંત જર્મનીની ઓટો કંપની ફોકસ વેગનને પાછળ રાખીને વૈશ્વિક માર્કેટ કેપીટલાઈઝેશનમાં આઠમું સ્થાન બનાવ્યુ છે.
મારૂતી સુઝુકીએ તેની જાપાનીઝ પેરેન્ટ કંપની સૂઝુકી મોટર્સને પણ પાછળ રાખીને આ સ્થાન મેળવ્યુ છે અને તેનું માર્કેટ કેપ કુલ 57.6 બીલીયન ડોલર થયુ છે અને તેણે આ રીતે ફોર્ડ મોટર્સ (46.3 બીલીયન) જનરલ મોટર્સ (57.1 બીલીયન) અને ફોકસવેગન (55.7 બીલીયન) ને પાછળ રાખી દીધા છે.
જયારે તેની પેરેન્ટ કંપની સૂઝુકી મોટર્સનું માર્કેટકેપ 29 બિલીયન ડોલર છે અને આ યાદીમાં એલન મસ્કની કંપની ટેસ્લા 1.47 ટ્રીલીયન ડોલરના માર્કેટકેપ સાથે નંબર વન છે. બાદમાં જાપાનીઝ ટોયેટો (314 બિલીયન ડોલર) ચીનની બીવાયડી (133 બીલીયન ડોલર) ફરારી (92.7 બીલીયન ડોલર) બીએમડબલ્યુ (61.3 બીલીયન ડોલર) તથા મર્સીડીઝ બેન્ઝ (59.8 બીલીયન ડોલર) છે.
આમ મારૂતી સુઝુકી આઠમા સ્થાને વૈશ્વિક લીડર બની છે. મારૂતી સુઝુકી ભારતમાં પણ નંબર વન કાર ઉત્પાદક કંપની બની છે અને નવા જીએસટી દરો સાથે તે રોજના 15000 બુકીંગ મેળવે છે.