Surat,તા.૩૦
માંડવી તાલુકાના લીમદા ગામ નજીક ગઈકાલે સાંજે બે બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે એક મહિલાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાના લીમદા અને માલધા ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર બે મોટરસાઇકલ સામસામે ધડકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રીજા યુવકને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ, આ અકસ્માતમાં કુલ ત્રણ યુવાનોના મોત થયા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત મહિલાને પણ ગંભીર ઈજા પહોંચતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મૃતકોમાં બોરખડી ગામના ભાઠી ફળિયાનો ૧૫ વર્ષીય હાર્દિકકુમાર હિતેશભાઈ ચૌધરી (ટીમ્બા આશ્રમ શાળાનો વિદ્યાર્થી), મનીષભાઈ લલ્લુભાઈ ગામીત અને હેતલભાઈનો સમાવેશ થાય છે. મૃતક હાર્દિકના કાકા સુભાષભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, હાર્દિક તેના મિત્ર સાથે આમલી ડેમ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મનીષભાઈ ગામીતના પત્ની મનીષાબેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતની જાણ થતા જ માંડવી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એકનો એક દીકરો ગુમાવનાર માતા-પિતાની વેદના વ્યક્ત કરતાં સુભાષભાઈએ યુવા પેઢીને વાહન ચલાવતી વખતે નિયમોનું કડક પાલન કરવા અને સાવધાની વર્તવાની ભાવનાત્મક અપીલ કરી હતી. ખેતી કરીને ગુજરાન ચલાવતા હાર્દિકના પરિવાર સહિત ત્રણેય મૃતકોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. એક જ ઘટનામાં ૩ યુવાનોના નિધનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.




