Jamnagar તા ૨૩
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલી એક ટિમ્બર ફેક્ટરીમાં ગત મોડી રાત્રે અકસ્માતે આગ લાગી હતી, અને આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડ ની ટુકડીએ સતત પાંચ કલાકની જહેમત લઈને આશરે પાંચ જેટલા પાણીના ટેન્કરનું ફાયરિંગ કરી ને આગને કાબુમાં લઈ લીધી હતી, અને વધુ નુકસાની થતી અટકાવી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગત મોડી રાત્રે આશરે ૦૨:૪૫ આસપાસ જામનગર શહેરના ઠેબા ચોકડી વિસ્તાર નજીક આવેલી “જય ચાવંડ ટીમ્બર” નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. લાકડા ના કૃષિ સાધનો બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગતાં થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં આ ફેક્ટરીમાં મોટુ નુકસાન થયું હોવાની શક્યતા છે.
“જય ચાવંડ ટીમ્બર” નામની ફેક્ટરીમાં આગ લાગતાં જ આસપાસના વિસ્તારોમાં અફડાતફડી નો માહોલ જોવા મળ્યો હતો. તેમજ દૂર-દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે જામનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે.
ભારે જહેમત બાદ જામનગર ફાયર બ્રિગેડની ટીમે અલગ- હઅલગ ૩ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનશીબે આવડી મોટી દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ફાયર ઓફિસર કામિલ મહેતા કુલ ૧૨ જેટલા ફાયર ફાઇટર ના જવાનોની ટીમ સાથે મોડી રાત્રે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને આશરે જુદા-જુદા પાણીના પાંચ ફેરા કરીને ફાયર ફાઈટરની મદદથી આગને બુઝાવી હતી, અને લગભગ ચાર કલાકથી વધુ સમય સુધી આ કામગીરી ચાલી હતી.
ફાયર શાખા ની સમય સૂચકતા ના કારણે લાકડાનો અન્ય મોટો જથ્થો બચાવી લીધો હતો. ફેક્ટરીના માલિક પિયુષભાઈ ગોહિલ દ્વારા નુકસાની અંગેની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.