મોટી જાનહાની ટળી, ઘરવખરી બળીને ખાક : ધારાસભ્ય ઉદય કાનગડ દોડી ગયા, આર્થિક મદદની ખાતરી
Rajkotતા.27
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ કુબલીયાપરા ઝુંપડપટ્ટીમાં ૨૬ જાન્યુઆરીની વહેલી સવારે આગ લાગી હતી. પવનના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી શહેરના અલગ અલગ ફાયર સ્ટેશનથી મળી કુલ પાંચ ફાયર ફાઇટરો અહીં દોડાવાયા હતાં. આગમાં અહીં રહેતા પરિવારો પૈકી ૧૫ પરિવારની ઝૂંપડી બળીને ખાખ થઇ હતી. આગ કયાં કારણોસર લાગી હતી તે અંગે હજુ કોઈ તારણ મેળવી શકાયું નથી.
ફાયરના સ્ટાફે પાણીનો મારો ચલાવી અંદાજિત દોઢ કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં ઝુંપડામાં રહેલી ઘરવખરી સળગીને ખાખ થઇ ગઇ હતી. સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી ન હતી. આગની ઘટનાને લઇ ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ પણ અહીં દોડી આવ્યા હતાં અને આગની આ ઘટનામાં આશરો ગુમાવનારને આર્થિક મદદની ખાતરી આપી હતી.
તા. 26 જાન્યુઆરીના સવારના 08:11 વાગ્યે રમેશભાઈ રામજીભાઈ કડસાગરીયા નામના વ્યક્તિએ, ભાણજીબાપા પુલથી કુઈવાળા ચોકની વચ્ચે અને નવા થોરાળા મેઇન રોડ પર આવેલ કુબલીયાપરા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની જાણ નાનામવા ચોક ફાયર કંટ્રોલમાં જાણ કરતા બેડીપરા ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર સાથે સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અહીં પહોંચી જોતા આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હોવાથી સ્ટાફ દ્વારા ફાયર કંટ્રોલ અને ઉપરી અધિકારીઓને જાણ કરતા કોઠારીયા ફાયર સ્ટેશન અને મુખ્ય ફાયર સ્ટેશનથી વધુ ફાયર ટેન્ડરો સાથે સ્ટાફ ઘટના સ્થળે રવાના કરેલ હતા, પાંચ ફાયર ટેન્ડર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી અને તમામ ઝૂંપડપટ્ટી મકાનના પતરાં દૂર કરી આગ સવારના 9:30 વાગ્યે સંપૂર્ણ આગ બુજાવી નાખેલ હતી. સભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થયેલ નથી, આગમાં કુલ 15 ઝૂંપડપટ્ટી મકાન સંપૂર્ણ સળગી જવા પામેલ હતા તેમજ આજુબાજુની ઝુપડપટ્ટી મકાનો બચાવી લીધેલ હતા, ઘટના સ્થળે થોરાડા પોલીસ સ્ટાફ પણ પહોંચી ગયો હતો. આગ કયાં કારણોસર લાગી હતી તે ચોક્કસપણે જાણી શકાયું નથી. પરંતુ શોટ સર્કીટના લીધે આગ લાગી હોવાની શંકા સેવાઇ રહી છે. પવનના લીધે પળવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

