Gandhinagar,તા.24
અમદાવાદથી મુંબઈ વચ્ચેની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન દોડતી થતા હજુ સાડા ચાર વર્ષ જેટલો સમય લાગી શકે છે અને 2029-ડિસેમ્બરમાં પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવો અંદાજ છે. હાઈ સ્પીડ રેલ પરિયોજના પાછળ કુલ 1,08,000 કરોડના ખર્ચનો અંદાજ છે.
સપ્ટેમ્બર-2017માં આ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરાયું હતું. અગાઉ 2023માં યોજના પૂર્ણ થવાનો અંદાજ હતો પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબના કારણે યોજનાની કામગીરીને અસર થઇ હતી. હવે તે પૂર્ણ થતા 12 વર્ષથી વધુ સમય લાગી જશે.
અમદાવાદના સાબરમતીથી વાપી વચ્ચેના ગુજરાતના હિસ્સાનું કામ ડિસેમ્બર-2027માં પૂર્ણ થશે તેમાં આ બુલેટ ટ્રેન દોડતી કરવાનું આયોજન છે. લોકસભામાં ગુજરાતના સાંસદ દેવુસિંહ ચૌહાણના સવાલના જવાબમાં રેલ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી મુજબ 508 કિલોમીટરની જાપાનની ટેકનીકલ સહાય સાથે બની રહેલી બુલેટ ટ્રેનની યોજના ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીથી પસાર થશે.
જેમાં મુંબઇ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી એમ કુલ 12 સ્ટેશન છે. જાપાન આંતરરાષ્ટ્રીય સહયોગ એજન્સી દ્વારા સમગ્ર પ્રોજેક્ટમાં 81 ટકા એટલે કે 88 હજાર કરોડની સહાય કરાઈ છે.
બાકીના 19 ટકા એટલે કે લગભગ 20 હજાર કરોડ રૂપિયામાંથી કેન્દ્રનું રેલ મંત્રાલય 50 ટકા અને મહારાષ્ટ્ર-ગુજરાતની રાજ્ય સરકાર 25-25 ટકા નાણાકીય યોગદાન આપશે. 20-6-2025 સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ 78,839 કરોડનો ખર્ચ કરાયો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંપન્ન કરવો જટિલ છે. કુલ 508 કિલોમીટરમાંથી અત્યાર સુધીમાં 392 કિલોમીટર પીયરનું નિર્માણ થઈ ચૂક્યું છે. 329 કિલોમીટર ગર્ડર કાસ્ટિંગ અને 308 કિલોમીટર ગર્ડર લોન્ચિંગનું કામ પૂર્ણ થઇ ગયું છે.
સમુદ્રની નીચે લગભગ 21 કિલોમીટર લાંબી સુરંગ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. દેશના અન્ય શહેરોમાં પણ આગામી સમયમાં બુલેટ ટ્રેન શરૂ કરવા માટે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરાઇ રહ્યો છે.