બેઠકો ખાલી પડતાં કેન્દ્ર સરકારે પ્રક્રિયામાં ભાગ લેવા ભરેલી ડિપોઝિટ પરત નહીં મળે તેવો આદેશ કર્યો છે
Ahmedabad, તા.૨૩
સ્ટેટ અને ઓલ ઇન્ડિયા ક્વોટામાં મેડિકલ-ડેન્ટલમાં ખાલી પડેલી બેઠકો પર હવે પછી કોઇ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે દાવો કરે તો તેઓએ ત્રણ લાખ રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે અત્યાર સુધી કોઇ રકમ ભરવાની નહોતી ત્યારે નવા રાઉન્ડની જાહેરાત બાદ પહેલા દિવસે એક હજારથી વધુ વિદ્યાર્થી ચોઇસ ભરી દેતાં હતા. હવે નવા નિયમ પ્રમાણે ત્રણ લાખ રૂપિયા ભરવાના હોવાથી નવા રાઉન્ડ માટે સોમવારે મુદત પૂરી થઇ રહી છે ત્યારે પહેલા દિવસે માત્ર ૭૦ વિદ્યાર્થીએ ચોઇસ ભરીને પ્રવેશ માટે દાવો કર્યો છે.
સ્ટેટ ક્વોટામાં મેડિકલમાં ૧૬ બેઠકો ખાલી પડી છે. આ ૧૬ બેઠકો પૈકી ૧૫ બેઠકો મેનેજમેન્ટ ક્વોટાની છે. મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓએ ૧૬થી ૨૦ લાખ રૂપિયા સુધીની ફી ભરવાની હોય છે. આ જ રીતે ગવર્નમેન્ટ ક્વોટાની એક બેઠક ખાલી પડી છે, જેમાં પ્રવેશ માટે ૧૦ લાખ રૂપિયા ફી ભરવી પડે છે. આ જ રીતે ડેન્ટલમાં સ્ટેટ ક્વોટામાં ૩૯ બેઠકો ખાલી પડી છે. જેમાં મેનેજમેન્ટ ક્વોટાની ૯ બેઠકો છે, મેનેજમેન્ટ ક્વોટા માટે ૩થી ૪.૫ લાખ રૂપિયા ફી લેવામાં આવે છે. બાકીની ૩૯ બેઠકો સરકારી ક્વોટામાં ખાલી પડી છે. આ બેઠકો માટે પણ ૩થી ૪ લાખ રૂપિયા સુધીની ફી લેવામાં આવે છે. ઊંચી ફીને કારણે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં અટકી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા ચાર રાઉન્ડ પછી ખાલી પડેલી મેડિકલ-ડેન્ટલની બેઠકો યોગ્ય રીતે ભરાઇ શકે તે માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. ખાલી પડેલી મેડિકલ-ડેન્ટલની બેઠક પર જે વિદ્યાર્થીઓ પ્રવેશ ઇચ્છતા હોય તે પૈકી જેઓએ અગાઉ ચોઇસ ફિલિંગમાં ભાગ લીધો હોય તેઓએ યુઝર આઇડી અને પાસવર્ડની મદદથી લોગઇન કરીને ત્રણ લાખ રૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે. આ ફી ભરવા માટે તા.૨૫મી એટલે કે સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવાના કારણે જે વિદ્યાર્થીઓને ખરેખર પ્રવેશ લેવો છે તેઓએ જ ત્રણ લાખ રૂપિયા ભરશે. સામાન્ય રીતે નવા રાઉન્ડની જાહેરાત કરવામાં આવે ત્યારે પહેલા દિવસે જ ૮૦૦થી ૧ હજાર વિદ્યાર્થીઓ ચોઇસ ભરી દેતાં હોય છે. ગઇકાલે નવા નિયમની જાહેરાત કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં માત્ર ૭૦ વિદ્યાર્થીએ જ તૈયારી દર્શાવી છે. કારણ કે, આ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે અને તેઓ કન્ફર્મ ન કરાવે તેમને ત્રણ લાખ ડિપોઝિટ અને ૧૦ હજાર રૂપિયા અગાઉની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હોવાથી મુદત પુરી થાય ત્યાં સુધીમાં પણ ગણતરીના વિદ્યાર્થીઓ જ પ્રક્રિયામાં ભાગ લેશે તેવુ માનવામાં આવી રહ્યું છે.કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ-ડેન્ટલની બેઠકો નિર્ધારિત સમયમાં ભરાઇ અને યોગ્યતા ધરાવતાં વિદ્યાર્થીઓ જ ચોઇસ પ્રક્રિયામાં ભાગ લે તે માટે ડિપોઝિટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે.
પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, આગામી દિવસોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે પણ ડિપોઝિટ લાગુ કરવામાં આવશે. અગાઉ ચોઇસ ફિંલિગ અને પ્રવેશ કન્ફર્મ ન કરાવે તેવી સ્થિતિમાં કોઇ ચાર્જ ન હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દરેક રાઉન્ડમાં ભાગ લેતાં અને પ્રવેશ મળે તો કન્ફર્મ કરાવવા ઇનકાર કરી દેતાં હતા. આ સ્થિતિમાં વારંવાર રાઉન્ડ કરવા ન પડે તે માટે ડિપોઝિટ સિસ્ટમ લાગુ કરવામાં આવી હોવાનું સમિતિના સભ્યો કહે છે.