Jamnagar,તા ૨૭,
જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ગઈકાલે ફરીથી મેઘરાજાનો નવો રાઉન્ડ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને કાલાવડ તાલુકા ના ખરેડી ગામમાં સાંબેલા ધાર પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો. જામજોધપુરમાં બપોર બાદ ધોધમાર અઢી ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ત્યારે ધ્રોલમાં ૧ ઇંચ તેમજ જામનગર શહેર જોડીયા, કાલાવડ અને લાલપુરમાં પણ વરસાદી ઝાપટાં વરસી ગયા છે.
જામનગર જિલ્લામાં બે દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, અને આકાશમાં વાદળો નાઆંટાફેરા જોવા મળતા હતા, અને ગોરંભાયેલું વાતાવરણ બનેલું હતું, જેમાં ગઈકાલે બપોર બાદ એકાએક પલટો આવ્યો હતો. ખાસ કરીને કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ચાર કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો, જેના કારણે પાણી ફરી વળ્યા હતા.
ત્યારબાદ જામજોધપુર પંથકમાં બપોરે ૧૨ વાગ્યા બાદ હવામાન પલટાયું હતું, અને અઢી કલાકના સમય ગાળા દરમિયાન ધોધમાર અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જેના કારણે ઠેર ઠેર નદી-નાળાઓમાં પુર આવ્યા હતા.
જામજોધપુર ઉપરાંત ધ્રોલમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ૧ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જામનગર શહેરમાં પણ બપોરે ૪.૦૦ વાગ્યાથી હવામાન માં પલટો આવ્યો હતો, ત્યારબાદ ધીમીધારે છુટા છવાયા વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા, અને મોડી સાંજ સુધીમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો હતો.
લાલપુરમાં પણ બપોર બાદ ૯ મી.મી., જોડિયા માં ૧૩ મિ.મી. અને કાલાવડમાં ૭ મી.મી. વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં આજે પણ વરસાદી વાતાવરણ બનેલું જોવા મળી રહ્યું છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાલાવડ ના ખરેડીમાં ૧૨૦ મી.મી. ઉપરાંત જોડીયા તાલુકાના પીઠડમાં ૬૭ મી.મી., જામજોધપુરના પરડવા ગામમાં ૬૫ મી.મી., ધ્રાફા ગામમાં ૪૫ મી.મી., જામવાડી ગામમાં ૫૨ મી.મી., વાંસજાળીયામાં ૫૫ મી.મી., ધ્રોળના લતીપરમાં ૪૫ મી.મી. ઉપરાંત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.