Surat તા.29
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તાપીના ડોલવણમાં 6 ઇંચ વરસાદ જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે.
આજે સવારે નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડ્યો છે, જ્યાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને કારણે તાપી જિલ્લાની નદીઓ જેવી કે અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત, છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો, રાજ્યના 148 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, 22 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.