Rajkot,તા.28
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગરમી ભુકકા બોલાવવા લાગી હોય અને રાજકોટ અગનગોળો બન્યુ હોય તેમ આજે બપોરે જ તાપમાનનો પારો 45.4 ડીગ્રીના સ્તરે પહોંચી ગયો હતો અને સાંજ સુધીમાં 46 ડીગ્રીને આંબે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. એપ્રિલ માસની ગરમીના તમામ રેકોર્ડ તૂટયાનુ ચિત્ર છે. ચામડી દઝાડતી ગરમીમાં માર્ગે સુમસામ બની જવા સાથે કર્ફયુનો માહોલ ઉભો થયો છે.
રાજકોટમાં સૂર્યપ્રકોપ ઉભો થયો હોય તેમ બે દિવસથી તાપમાનનો પારો વધવા લાગ્યો જ હતો. આજે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ બપોરે અઢી વાગ્યે જ પારો 45.4 ડીગ્રીએ પહોંચી ગયો હતો. ચાલુ સીઝન તથા છેલ્લા દાયકાઓના એપ્રિલ મહિનાની ગરમીના રેકોર્ડ તૂટી ગયા હતા.
હવામાન વિભાગના સતાવાર આંકડાકીય રિપોર્ટ પ્રમાણે બપોરે 2.30 વાગ્યે તાપમાન 45.4 ડીગ્રી રહ્યુ હતું. હવામાં ભેજનુ પ્રમાણ 27 ટકા તથા પવનની ઝડપ 12 કી.મી.ની હતી. આ પુર્વે રાજકોટમાં 9મી એપ્રિલે પારો 45 ડીગ્રીને પાર થયો હતો.
આ દિવસે મહતમ તાપમાન 45.2 ડીગ્રી નોંધાયુ હતુ. જો કે, આજે બપોરે 2.30 વાગ્યે જ પારો 45.4 ડીગ્રી થઈ ગયો હતો અને મહતમ તાપમાન સાંજ સુધીમાં 46 ડીગ્રીને આંબી જવાની દહેશત છે.
રાજકોટમાં આજે સવારે 8 વાગ્યે જ પારો 30 ડીગ્રીને આંબી ગયો હતો અને ત્યારપછી સડસડાટ ઉંચે ચડતો રહ્યો છે. તાપમાન 45 ડીગ્રી વટાવી જવા સાથે હીટવેવ સર્જાયુ છે. પારો 45 ડીગ્રીથી ઉપર જાય એટલે હીટવેવ ગણવામાં આવતુ હોવાનુ ઉલ્લેખનીય છે.
હવામાન વિભાગ દ્વારા અગાઉ જ પારો ઉંચકાવાની આગાહી કરવામાં આવી હતી. જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે ગત શુક્રવારે જ આગાહી કરીને રવિવારથી બુધવાર સુધી હીટવેવ રહેવાની શકયતા દર્શાવતી આગાહી કર્યાનુ ઉલ્લેખનીય છે.
માથુ ફાટી નાખતા તથા માનવી-પશુ-પંખી સહિત જીવમાત્રના સ્વાસ્થ્યને અસર કરતા આકરા સૂર્યતાપને પગલે શહેરમાં બપોરે કર્ફયુ જેવો માહોલ રહેવા સાથે માર્ગો સુમસામ રહ્યા હતા. બજારોમાં પણ ચકલુ પણ ફરકતુ ન હોવાની સ્થિતિ હતી.