Ahmedabad, તા. 30
દેશમાં સમય કરતા વહેલું પહોંચી ગયેલુ ચોમાસુ ધમાકાભેર આગળ વધ્યા બાદ હવે મુંબઇ પહોંચીને સ્થગિત થઇ ગયું છે અને હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે ગુજરાતમાં હાલ કોઇ વ્યાપક વરસાદની સિસ્ટમ નથી.
કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. ચોમાસુ કેરળથી આગળ વધીને ગોવા અને મહારાષ્ટ્ર તથા ગુજરાત ભણી આવશે તેવા સંકેત હતા અને મુંબઇમાં પણ મે માસમાં જ ભરપુર વરસાદ નોંધાઇ ગયો હતો.
પરંતુ ચોમાસાની સિસ્ટમ મુંબઇ પહોંચ્યા પછી નબળી પડી ગઇ છે. જેના કારણે ચોમાસુ ગુજરાતમાં પહોંચવામાં વિલંબ થઇ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદમાં વિલંબ અંગે પણ શકયતાઓ રહેલી છે.
ગુજરાતમાં હાલ કોઇ મોટી ચોમાસુ સિસ્ટમ નથી. સાર્વત્રિક વરસાદ થાય તેવી કોઇ સ્થિતિ નથી અને તેથી આગામી સમયમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહી.