Mexican,તા.6
મેક્સિકોમાં મહિલા સુરક્ષાનો મામલો ચર્ચામાં છે, કારણ કે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શેનબોમ સાથે એક વ્યક્તિએ છેડછાડ કરી અને તેમને કિસ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ રાજધાનીમાં પગપાળા જઈ રહ્યા હતા.ભારે આ ઘટના બની હતી.
રાષ્ટ્રપતિ ક્લાઉડિયાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સવાલ કર્યો છે કે, `જો આ દેશના પ્રમુખ સાથે આવું થઈ શકે, તો સામાન્ય યુવતીઓની સુરક્ષા ક્યાં છે? કોઈ પુરુષને મહિલાઓની અંગત સીમા ઓળંગવાનો અધિકાર નથી.’
વીડિયો વાઈરલ થયા બાદ તેને હટાવી દેવાયો છે, પરંતુ આ ઘટનાએ મેક્સિકોમાં લૈંગિક હિંસા અને માચો સંસ્કૃતિની હાજરી વચ્ચે મહિલા સુરક્ષા પર ફરી સવાલ ઊભા કર્યા છે. મેક્સિકોના પ્રથમ મહિલા પ્રમુખ ક્લાઉડિયાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં કરે.`હું જનતાની વચ્ચે રહેવા માંગુ છું, તેથી વ્યવસ્થાઓમાં કોઈ ફેરફાર થશે નહીં.’
પ્રમુખ શેનબોમ મેક્સિકો સિટીના ઐતિહાસિક વિસ્તારમાં રાષ્ટ્રીય મહેલથી શિક્ષણ મંત્રાલય તરફ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. વીડિયો મુજબ, સુરક્ષા ટીમની ગેરહાજરીમાં એક મધ્યમ વયના વ્યક્તિએ તેમની નજીક આવીને તેમને સ્પર્શ કર્યો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, શેનબોમે તરત જ તેનો હાથ હટાવ્યો અને તેમના સ્ટાફે દરમિયાનગીરી કરી. શેનબોમએ પછીથી જણાવ્યું કે હુમલો કરનાર વ્યક્તિ નશામાં હતો.
આ ઘટના પછી મહિલા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યુંઃ તેમણે મહિલાઓને હિંસાના કિસ્સાઓમાં ફરિયાદ નોંધાવવા અપીલ કરી અને મીડિયાને મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડતી સામગ્રી શેર ન કરવા કહ્યું.

