બાલાસિનોરમાં મોચીવાડમાં રહેતા દરજી કામ કરતા જય હિતેશ પરમાર તેની પત્ની ભૂમિકા, સાસુ ગંગાબેન ઉર્ફે અનિતાબેન અરવિંદભાઇ કુગાશીયા, મનિષ આસવાની, અનામિકા ઉર્ફે અંજુ કુગાશીયા, બંટી ઉર્ફે વિહાન, શિવાની બંટી કુગાશીયા, અલ્પેશ ૫રમાર, નિકિતા પરમાર સામે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ગત તા.૪ જુલાઇના રોજ તેમના લગ્ન રાજસૃથાનના ચિત્તોતગઢ ખાતે રહેતા ગંગાબેનની દીકરી ભૂમિકા સાથે થયાના થોડા દિવસોમાં જ ભૂમિકા ઘરમાં ઝઘડા કરતી હતી.ફરિયાદી યુવકના માતા આશાબેન ઉર્ફે નિશાબેન અને પિતા હિતેશ કાળીદાસ પરમાર સાથે ઝઘડા કરી ગાળો બોલી આઇફોન અને એક્ટિવાની માગ કરી મારા કહ્યા પ્રમાણે તમે બધા નહીં કરો તો જય અને તમારા નામની ચિઠ્ઠી લખી મરી જઇ તમને જેલ કરાવી દઇશ,તેવી ધમકી આપતી હતી.તે બાદ ફોન પર અન્ય આરોપીઓએ ગાળો બોલી છૂટાછેડા આપવા માટે રૂ.પાંચ લાખની માગ કરી માતા-પિતાને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ ફરિયાદી યુવકે ફરિયાદમાં કર્યો છે. આ ત્રાસથી કંટાળીને ગત તા.ર૪ સપ્ટેમ્બરના રોજ યુવકના માતા-પિતા ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા.તે બાદ તા.૨૭ના રોજ કઠલાલ તાલુકાની નહેરમાંથી માતા આશાબેન ઉર્ફે નિશાબેન અને મહેમદાવાદ તાલુકાના નવાકુણા ગામની સીમમાં વાત્રક નદીમાં નર્મદાની નહેરનું પાણી જતું હોય ત્યાથી પિતા હિતેશભાઇની લાશ મળી આવી હતી. બંનેની અંતિમક્રિયા બાદ તિજોરીમાંથી મળી આવેલી સૂઇસાડ નોટના આધારે યુવકે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.લગ્ન બાદ વહુ અને સાસરીયાઓ યેનકેન પ્રકારે ત્રાસ આપી હેરાન કરતા હોવાની અને દહેજના ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે.