ખેતર ભાગીયુ રાખી ખેતી કરતા આધેડનો પુત્ર અને શેઢા પાડોશીની પુત્રી ભેદી રીતે ગુમ થયાં બાદ યુવતીના પરિજનો યુવકના પિતાને ઉઠાવી ગયા
Rajkot,તા.11
રાજકોટ શહેરની ભાગોળે આવેલ કુવાડવાના ખેરડી ગામની સીમમાં ભાગીયુ ખેત૨ રાખી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના આધેડનું આ ગામમાં જ રફાળા રોડ પર ખેતર વાવતો મજૂર તેની પત્નિ સહિતના ચાર જણા બળજબરીથી અપહરણ કરી જતાં ચકચાર જાગી છે. કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ અપહરણકર્તાઓને સકંજામાં લઇ અપહ્યતને મુક્ત કરાવ્યો હતો.
મામલામાં કુવાડવાના ખેરડી ગામની સીમમાં આવેલી અશોકભાઈ નરસીભાઈ લુણાગરીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના જાંબુઆના અબલાબેન થોમેસભાઈ માવી (ઉં.વ.૩૯)ની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગોરધન ભુરીયા, તેની પત્નિ અને એક અજાણયા શખ્સ તથા એક અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બાદમાં બપોરે બે વાગ્યે હું અને મારા પતિ તથા બીજો દિકરો સંજય ખેતરમાં મરચા વિણતા હતાં ત્યારે ખેતરની બાજુના ભાગેથી ગોરધન ભુરીયા, તેની પત્નિ અને અજાણ્યા મહિલા તથા પુરૂષ આવ્યા હતાં. આ બધાએ મને મારા દિકરા કાંતુ વિશે પુછયું હતું.ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગોરધન ભુરીયા અમારી બાજુનું ખેતર વાવતો હોઈ જેથી અમે તેને ઓળખીએ છીએ. બાદમાં ગોરધને કહ્યું હતું કે મારી દિકરીને તમારો દિકરો કાંતુ લઈને ક્યાંક જતો રહ્યો છે, કાંતુ ક્યાં છે? જેથી અમે કહેલુ કે તે સવારનો અમને પણ મળતો નથી અને ફોન પણ બંધ આવે છે. બાદ ગોરધન અને તેની પત્નિએ કહેલું કે, જો તમારો દિકરો પાછો નહિ આવે તો અમે તમારા પતિને સાથે લઈ જઈશું. જેથી મેં કહેલુ કે મારા પતિને તમે લઈ જશો તો અમે કઈ રીતે તમારી દિકરી અને મારા દિકરાને શોધવા જઈશું? આ સાંભળી ગોરધન સહિતના બળજબરીથી મારા પતિને મોટરસાઈકલમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતાં.
બાદ અમે મારા પતિને શોધવા ગોરધન જ્યાં વાડી વાવે છે ત્યાં તથા આસપાસમાં તપાસ કરી હતી પરંતુ મારા પતિની ભાળ મળી ન હતી. ત્યારબાદ મેં મારા જમાઈ વિપુલ કીલુભાઈ ભુરીયા તેમજ સંબંધી કમલેશભાઈ હટીલા સહિતને જાણ કરતાં તેણે પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. જેથી પુત્ર કાંતુ નજીકમાં વાડી વાવતાં ગોરધન ભુરીયાની દિકરીને લઈને જતો રહ્યો છે તેવી શંકા રાખી ગોરધન, તેની પત્નિ સહિતના પતિને ઉઠાવી ગયા હોય તે અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવની ટીમોએ પણ કુવાડવા પોલીસની સાથે તપાસમાં ઝુકાવ્યું હતું અને ગણતરીની કલાકોમાં જ અપહરણકર્તાઓને દબોચી અપહ્યતને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અપહરણકર્તાઓ અપહ્યતને ઉઠાવી રાજકોટ બહાર નીકળી ગયા હતા તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.