કાર્બોસેલ, ચરખી, મશીનરી સહીતનો લખોનો મુદ્દામાલ જપ્ત
Surendranagar,તા.15
ઝાલાવાડના થાનગઢ પંથકમાં આજે વહેલી સવારથી ખાણ ખનીજ વિભાગે કાર્બોસેલના ગેરકાયદે ખનન પર દરોડા પાડતા ખનન માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ખનીજ વિભાગની વિવિધ ટીમોએ થાનગઢ પંથકમાં દરોડા પાડી ગેરકાયદે ધમધમતા કાર્બોસેલના આઠ કુવા ઝડપી લઇ કાર્બોસેલ, ચરખી, મશીનરી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા ભુસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની વિવિધ ટીમો દ્વારા આજે વહેલી સવારથી થાનગઢ પંથકમાં ગેરકાયદે ધમધમતા કાર્બોસેલના કૂવા પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ખનીજ વિભાગની ટીમે અલગ અલગ 8 ગેરકાયદેસર કાર્બોસેલના કુવા શોધી કાઢ્યા હતા અને કાર્બોસેલ, ચરખી, મશીનરી સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખાનગી માલિકીની જમીનો તેમજ સરકારી ખરાબામાં ધમધમતા ગેરકાયદે કાર્બોસેલના કુવા મામલે ખનીજ વિભાગ હવે ખનીજ ચોરી અંગે માપણી કરી કસુરવારો વિરુદ્ધ ગુનો દાખલ કરાવશે તેવું પણ હાલ સામે આવી રહ્યું છે. ખનીજ વિભાગે પાડેલા દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.