Ahmedabad,તા.11
રાજ્યમાં 2027 માં જાન્યુઆરીમાં યોજાનારા વાઈબ્રન્ટ સમિટ પહેલા રાજ્યમાં ઓક્ટોબર 2025 થી ચાર ઝોનમાં મીની વાઇબ્રન્ટ યોજવાનું રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મીની વાઇબ્રન્ટ યોજવાની વિધિવત જાહેરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જુલાઈ 2025 ના મધ્ય ભાગમાં કરશે તેમ રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું.
ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મધ્ય ગુજરાતમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે મીની વાઇબ્રન્ટ યોજવામાં આવશે. ત્યારબાદ તમામ જિલ્લા પ્રમાણે વાઇબ્રન્ટ સમિટ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન રાજ્યની નજીક આવેલા બીજા રાજ્યોને ઔદ્યોગિક ગૃહોને વાઇબ્રન્ટ સમિટમાં આમંત્રણ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત વખતે જિલ્લા પ્રમાણે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન રૂપિયા 45000 કરોડના એમઓયુ થવા પામ્યા હતા.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2025 માં સ્ટાર્ટઅપ પોલિસી, લોજિસ્ટિક પોલિસી, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પોલીસી, કોમન એન્વાયરમેન્ટ પોલિસી સહિત રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પોલિસીની મુદ્દત પૂરી થાય છે ત્યારે આ ચાર ઝોનમાં યોજનારા વાઈબ્રન્ટ પહેલા નવી પોલિસીની પણ જાહેરાત કરવામાં આવશે.
જેથી કરીને ઔદ્યોગિક ગૃહો આ નવી પોલીસી નો લાભમેળવી શકે. જોકે ડિફેન્સ અને એરોસ્પેસ પોલીસી અંતર્ગત જે ઔદ્યોગિક ગૃહો મૂડી રોકાણ કરવા માંગતા હશે તેમને હયાત પોલિસી નો લાભ આપવામાં આવશે, કારણ કે આ પોલિસી ડિસેમ્બરમાં પૂર્ણ થાય છે.