Gandhinagar,તા.૧૨
૧૫ ઓગસ્ટ અને શુક્રવારે સમગ્ર ગુજરાતમાં સ્વતંત્રતા દિનની ઉજવણી ધ્વજવંદન સાથે રાજ્યભરમાં થશે. રાજ્ય સરકારે પરંપરા મુજબ મંત્રીઓ અને વડા અધિકારીઓને જુદા જુદા જિલ્લામાં મુખ્ય સમારંભોમાં ધ્વજવંદન માટે નિયુક્ત કર્યા છે. પરંતુ આ વર્ષે પંચાયત અને કૃષિ વિભાગના રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડનું નામ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. જે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
બચુભાઈ ખાબડના પુત્રો સામે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડમાં સંડોવણીના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે રાજકીય અને જાહેર સ્તરે દબાણ વધતા સરકારે તેમને મોટા જાહેર મંચોથી દૂર રાખવાનો નિર્ણય લીધો હોવાનો અંદાજ છે. અગાઉ પણ સરકારી કાર્યક્રમોમાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા હતા. તેમજ મંત્રીમંડળની બેઠકમાં પણ તેમની હાજરી ન હોવાની ફરિયાદ છે. તેથી તેઓ માત્ર કાગળ પર મંત્રી હોવાની વાત પણ ઉઠી છે.
માહિતી મુજબ, ૧૫ ઓગસ્ટે પોરબંદર ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારંભ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતા કરશે. અન્ય જિલ્લા સ્તરે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ધ્વજવંદનના કાર્યક્રમોમાં હાજરી આપશે. પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ઉપરાંત તબિયતના કારણે રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી અને પ્રફુલ્લ પાનસેરિયાનો પણ સમાવેશ આ વર્ષે કરવામાં આવ્યો નથી.
રાજકીય સૂત્રો માને છે કે, વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન પણ બચુભાઈ ખાબડના વિભાગના પ્રશ્નોના જવાબ આપવાની મંજૂરી સરકાર આપશે કે નહીં તે અનિશ્ચિત છે. આગામી મંત્રીમંડળ ફેરફારમાં તેમને હટાવવાની પૂરી સંભાવના છે, જેના કારણે તેમની હાલત રાજકીય રીતે કફોડી બની છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી અનુસાર કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ નવસારી જિલ્લામાં, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણા જિલ્લામાં, ઋષિકેશ પટેલ સાબરકાંઠામાં, રાઘવજી પટેલ જામનગરમાં, બળવંતસિંહ રાજપૂત વલસાડમાં, કુંવરજી બાવળિયા ગીર સોમનાથમાં, મુળભાઇ બેરા દેવભૂમિ દ્વારકામાં, કુબેર ડિંડોર પંચમહાલમાં અને ભાનુબેન બાબરિયા રાજકોટ ખાતે ધ્વજવંદન કરશે.
રાજ્ય કક્ષાના મંત્રીઓમાં હર્ષ સંઘવી ગાંધીનગર, જગદીશ વિશ્વકર્મા મોરબી, મુકેશ પટેલ ભરૂચ, ભીખુસિંહ પરમાર ખેડા અને કુંવરજી હળપતિ તાપી જિલ્લામાં ધ્વજવંદનના કાર્યક્રમોમાં હાજરી આપશે.
રાજ્યની આ પરંપરાગત ઉજવણી મંત્રીઓ માટે માત્ર પ્રોટોકોલ નથી, પણ જિલ્લાવાસીઓ સાથે સીધુ જોડાણ સ્થાપવાની તક પણ છે. પરંતુ બચુભાઈ ખાબડ માટે આ અવસર ગુમાવવો રાજકીય દૃષ્ટિએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે, હાલમાં તેઓ ભ્રષ્ટાચારના આક્ષેપો, જાહેર કાર્યક્રમોમાં ગેરહાજરી અને રાજકીય એકલતા જેવી ત્રિપલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.