Rajkot. તા.23
રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે રાજકોટ આવી રહ્યાં છે અને શહેરમાં બનતાં આર્થિક ગુનાને લઈ મોટી બેઠક થવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સાથે સાથે રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકનું લોકાર્પણ તેમજ વિંછીયા-આટકોટ પોલીસ લાઈનનું ઈ-લોકાર્પણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જે બાબતે કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ આદરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરમાં આર્થીક ગુનાની વણઝાર લાગી છે. છેલ્લા કેટલાક સમયમાં જોઈએ તો સમય ટ્રેડીંગ, મનીપ્લસ શરાફી મંડળી, રિસેટ વેલ્થ સહિતની અનેક મંડળીઓ અને પેઢીઓ અનેક લોકોના રૂપિયા ઊંચા વ્યાજે વળતર સાથે રિટર્ન કરવાની લાલચે લીધાં બાદ પેઢીઓના સંચાલકો પેઢીને તાળા મારી નાસી છૂટતાં અનેક લોકો રસ્તા પર આવી ગયાં છે અને પોલીસ પાસે મદદની ગુહાર પણ લગાવી છે.
જેમાં અનેક ગુના પણ નોંધાયા છે. ઉપરાંત કેટલાક ફાયનાન્સરો પણ કરોડો રૂપિયામાં ઉઠી ગયાની ફરીયાદ અરજી પોલીસ પાસે પહોંચી છે. જે મામલે મોટા ઉદ્યોગકારો, બિલ્ડરો અને રાજકારણી સહિતના લોકોના કરોડો રૂપિયા ફસાયા છે.
જે તમામ બાબતની સરકારે ગંભીર નોંધ લીધી છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી ખાસ શુક્રવારે રાજકોટ આવી રહ્યાં છે. ત્યારે ઓફિસિયલ કાર્યક્રમની વાત કરીએ તો રાજકોટ રેન્જ દ્વારા રાજકોટમાં જામનગર રોડ પર કલેક્ટર ઓફીસ સામે નવું બનેલ રાજકોટ રેન્જ સાયબર પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ રાજકોટ રૂરલ વિસ્તારમાં આવતાં વિંછીયા અને આટકોટ પોલીસ મથકમાં બનેલ પોલીસ લાઈનનું પણ ઈ-લોકાર્પણ કરીને પોલીસ જવાનો માટે હાઉસિંગ ક્વાર્ટર ખુલ્લા મુકવામાં આવશે.શુક્રવારે આખો દિવસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં રહેશે.
ખાસ આર્થીક ગુનાને લઈ પોલીસ સાથે પણ મિટિંગ કરી આરોપીઓ વિરુદ્ધ વધુમાં વધુની સજાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાની સૂચન કરે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીનો કાર્યક્રમ બાબતે શહેર પોલીસ, રેન્જ આઈજી અને રૂરલ પોલીસ તેમજ કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.