જામનગરના શખ્સે ટ્રીપના દસ હજાર મળશે તેવું કહી મુંબઈ ખાતે માદક પદાર્થ લેવા મોકલ્યાનું ખુલ્યું
Rajkot,તા.21
રાજકોટ રેલવે એસઓજી ટીમે રેલવે સ્ટેશન પરથી રૂ. 19.89 લાખના ડ્રગ્સ સાથે એક મહિલા અને સગીરને ઝડપી લીધા છે. રેલવે એસઓજીની ટીમે જામનગરમાં રહેતી મહિલા અને સગીર પાસેથી રૂ. 19.89 લાખની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. પોલીસે આ બંને શખસોની પૂછતાછ કરતા જામનગરમાં રહેતા શખસે બંનેને દુરંતો એક્સપ્રેસની ટિકિટ આપી તેમજ એક ટ્રીપના રૂપિયા 10,000ની લાલચ આપી મુંબઈના શખસ પાસેથી ડ્રગ્સનો આ જથ્થો લાવવા માટે કહ્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.ડ્રગ્સ મામલે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રેલવે એસઓજીના પીઆઇ વી.એન.સીંગરખીયાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, હિતેશભાઈ, એલસીબીના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, મહિલા કોન્સ્ટેબલ ભાવનાબેન, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ, કોન્સ્ટેબલ વનરાજભાઈ સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશન પર તપાસમાં હતો. દરમિયાન પ્લેટફોર્મ નંબર- 1 પર જય માતાજી ટી સ્ટોલ પાસે દુરંતો એક્સપ્રેસ ટ્રેન આવી ઉભી રહેતા તેમાંથી એક મહિલા તથા એક સગીર ઉતર્યા હોય જેની હિલચાલ શંકાસ્પદ જણાતા મહિલા કોન્સ્ટેબલ ભાવનાબેનને બોલાવી આ બંનેને રોકી આ મહિલાની પૂછપરછ કરતા તેનું નામ સેતા યાસ્મીન અનવરભાઈ (ઉ.વ 40 રહે. હાલ સૈયદી હોટલની પાછળ આવાસ કવાર્ટર, ગોલ્ડન સિટીની બાજુમાં જામનગર) હોવાનું જણાવ્યું હતુ. તેની સાથે રહેલ સગીર પણ જામનગરનો વતની હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે મહિલાની જડતી લેતા તેની પાસે નાસ્તો અને બ્લેન્કેટ હોય પરંતુ તેની નીચે કાળા અને સફેદ પ્લાસ્ટિકની કોથળીમાં શંકાસ્પદ પાવડર જણાતા આ બાબતે એફએસએલ અધિકારી સાથે પરીક્ષણ કરાવી તેનો અભિપ્રાય લેતા આ શંકાસ્પદ પદાર્થ મેફોડ્રોન હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે બેગમાંથી મળેલી આ કોથળીમાંથી રૂપિયા 19.89 લાખની કિંમતનું 198.8 ગ્રામ કબજે કર્યું હતું. એમડી ડ્રગ્સનો આ જથ્થો એક મોબાઈલ ફોન ટ્રેનની જનરલ કોચની ચાર ટિકિટ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 20.06 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
ઝડપાયેલ મહિલા સેતા યાસ્મીન અનવરભાઈ (ઉ.વ 40) અને સગીરની પૂછપરછ કરતા એવું જણાવ્યું હતું કે, જામનગરમાં રહેતા અજરૂ નામના શખસે બંનેને ટ્રેનની આવક જાવકની ટિકિટ તેમજ એક ટ્રીપના રૂપિયા 10,000 આપી મુંબઈમાં નિઝામ નામના શખસ પાસેથી માદક પદાર્થનો જથ્થો લાવવા માટે કહ્યું હતું. જેથી તે બંને મુંબઈ ગયા બાદ નિઝામ પાસેથી આ માદક પદાર્થનો જથ્થો લઈ આવતા હોવાનું જણાવ્યું હતું. જે અંગે પોલીસે ચારેય શખસો સામે ગુનો નોંધી અજરૂ તથા નિઝામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.