શારીરિક અડપલાંનો વિરોધ કરતા સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દેહ અભડાવ્યો
Dhoraji,તા.22
ધોરાજીમાં સગીરા પર નવાઝ પટણી નામના શખ્સે અવાર નવાર દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો છે. સગીરાની એકલતાનો લાભ લઈ નરાધમે ઘરે ઘસી જઈ અવારનવાર સગીરાનો દેહ અભડાવ્યાનો ગુનો ધોરાજી સીટી પોલીસ મથકમાં દાખલ થયો છે. મામલામાં પોલીસની ટીમે નરાધમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજીના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં નવાજ હનીફ પટણી (રહે બાસિત પાનવાળાના મકાનની સામે, ટેભાના ડેલામાં, ફૂલવાડી ધોરાજી)નું નામ આપતા જણાવ્યું હતું કે, તેમની સગીર વયની પુત્રી સાથે નવાઝ પટણીએ મિત્રતા કેળવી બિભત્સ ઈશારાકં કરી ભોગ બનનારી સગીરા ઘરે એકલી હોય ત્યારે ઘરે ઘસી જઈ શારીરિક અડપલા કર્યા હતા. નરાધમની કૂચેષ્ટાનો સગીરાએ વિરોધ કરતા નવાઝ પટણીએ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દેહ અભડાવ્યો હતો. બાદમાં સગીરા તેના દાદા-દાદીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે નવાઝ ત્યાં પણ ધસી ગયો હતો અને ત્યાં પણ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. મામલામાં સગીરાએ અંતે માતા-પિતાને જાણ કરતા માતાએ ધોરાજી સીટી પોલીસમાં ગુનો નોંધાવતા પીઆઈ આર જે ગોધમની ટીમે નવાઝ હનીફ પટણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.