Jamnagar તા ૫
જામનગર શહેરમાંથી ચાર દિવસ પહેલાં માતા-પિતાને ઘરમાં બંધ કરીને નાસી છૂટેલી સગીરા મુંબઈ પહોંચી ગયા બાદ પોલીસે તેને શોધી કાઢી પરિવારજનોને સોંપતા સૌને હાશકારો થયો હતો. માતા પિતાએ ઠપકો આપ્યો હોવાથી ઘર છોડી દીધું હોવાનું જણાવ્યું છે.જામનગરના એક શહેરી વિસ્તારમાં રહેતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી કોલેજીયન સગીરા અન્ય મિત્રો સાથે ફોનમાં વાત કરતી હોવાથી માતા-પિતાએ ઠપકો આપતા તેણીને મનમાં લાગી આવ્યું હતું.અને ચાર દિવસ પહેલાં તેણી રાત્રીના પરિવારના સભ્યોને રૂમમાં પુરીને પલાયન થઈ ગઈ હતી.
જે અંગે પરિવારે સવારે સીટી બી. ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઈ પી.પી.ઝા સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી, અને રેલ્વે સ્ટેશનેથી સગીરા કેમેરામાં એકલી જ જોવા મળતાં અને એક જ ટીકીટ અમદાવાદની લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ અમદાવાદ પહોંચે તે પહેલા જ મુંબઈની ટ્રેનમાં બેસીને પહોંચી ગઈ હતી. આ અંગેની પી.આઈ.એ ટેલીફોનીક રેલ્વે પોલીસને જાણ કરી હતી. જે બાદ મુંબઈથી તેને જામનગર લઈ આવવામાં આવી હતી, અને પરિવારજનોને સોંપી દીધી હતી. જામનગર પોલીસે ત્વરીત તપાસનો ચક્રો ગતિમાન કરી સગીરા ની તુરંત ભાળ મેળવી જામનગર લાવ્યા બાદ પરીવારને સોંપાઈ હતી.