લીલીયા ખાતેથી કારમાં લઇ આવ્યા બાદ કિશોરીના માતા, પિતા, ભાઈ સહિતના ધોકા પાઇપ વડે તૂટી પડ્યા
Rajkot,તા.26
શહેરના કોઠારીયા રોડ પર પુત્રીને ભગાડી જનાર 22 વર્ષીય યુવકને 12 વર્ષીય સગીરાના માતા-પીતા અને ભાઈ સહિતના પરિજનોએ ધોકા-પાઇપ વડે માર મારી લોહીલુહાણ કરી દીધાનો બનાવ ભક્તિનગર પોલીસના ચોપડે નોંધાયો છે. પોલીસે યુવતીના માતા-પિતા અને ભાઈ ઉપરાંત અજાણ્યા આઠ શખ્સોં વિરુદ્ધ હુમલો, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
હુડકો પોલીસ ચોકી પાછળના વિસ્તારમાં રહેતા પ્રતાપ ગોપાલભાઈ સોલંકી(ઉ.વ ૨૨) નામના યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાડોદાનગરમાં રહેતા દંપતી તેના પુત્ર તથા ૭ થી ૮ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શાકભાજીની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની બહેન સંગીતાની બહેનપણી જે ૧૨ વર્ષની હોય તે અવારનવાર તેની બહેન પાસે આવતી હોય દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો અને મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. શનિવારે રાત્રિના એકાદ વાગ્યા આસપાસ યુવાન આ તેની સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે તેના ભાઈએ તું કોની સાથે વાત કરે છે કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ યુવાને આ સગીરાને ફોન કરી કહ્યું હતું કે, આપણે ભાગી જઈએ અને તેને ઘર નીચે ઉભું રહેવાનું કહ્યું હતું ત્યારબાદ યુવાન સગીરાને અહીંથી લઈ ગયો હતો બંને ભાગીને અમરેલી ત્યારબાદ લીલીયા પહોંચ્યા હતા. આ દરમિયાન યુવાનના ભાઈએ તેને ફોન કર્યો હતો અને પરત આવી જવાનું કહ્યું હતું. બાદમાં યુવાનનો ભાઈ દીકરીના પિતા સંબંધીની કારે લઇ અહીં લીલીયા પહોંચ્યા હતા અને ત્યાંથી બંનેને અહીં પરત લાવ્યા હતા.
બપોરના એકાદ વાગ્યે નાડોદાનગરમાં સગીરાના ઘર પાસે પહોંચતા જ યુવતીના માતા તેનો સહિતનાઓ અહીં આવી ગયા હતા અને યુવાન સાથે માથાકૂટ કરી તેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. યુવાને બચાવવા તેનો ભાઈ વિપુલ વચ્ચે પડતા યુવતીના પિતા પ્રતાપને ઢસડીને દૂર લઈ જઈ બાદમાં તેણે તથા તેની પત્ની-પુત્રે મળી પ્લાસ્ટિકના પાઇપ વડે મારમાર્યો હતો. આ દરમિયાન અન્ય સાતથી આઠ અજાણ્યા શખસોએ પણ યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દેકારો થતાં યુવાનના માતા તેનો ભાઈ સહિતનાઓ વચ્ચે પડી તેને વધુ મારામાંથી બચાવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પીએસઆઇ જે.જે. ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.