જાલમપુરા ગામમાં રહેતા રાહુલ ભોઈ અને ખાંડી ગામમાં રહેતા ભાવેશ પઢિયાર સાથે તેને પ્રેમ સંબંધ થયો હતો
Vadodara,તા.૨૦
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સગીરા સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ગર્ભવતી થયેલી સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે બંને યુવાનો સામે ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં રહેતી ૧૬ વર્ષીય સગીરા તેના મામાના ઘેર સાવલી તાલુકામાં આવી હતી. આ દરમિયાન જાલમપુરા ગામમાં રહેતા રાહુલ ભોઈ અને ખાંડી ગામમાં રહેતા ભાવેશ પઢિયાર સાથે તેને પ્રેમ સંબંધ થયો હતો. આ દરમિયાન સગીરા સાથે બંને યુવાનોએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
મામાના ઘરે એક મહિનો રોકાયા બાદ સગીરા તેના ઘરે જતી રહી હતી. બાદમાં તે ગર્ભવતી બની હતી. જેની જાણ ઘરના સભ્યોને થતાં સગીરાની ઘરમાં જ ડિલિવરી કરાવતા બાળકનો જન્મ થયો હતો. પાપ છૂપાવવા માટે બાળક સગીરાએ ત્યજી દીધું હતું. દરમિયાન ત્યજી દીધેલા બાળક અંગે તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી.
જેની તપાસ દરમિયાન સગીરાની ઓળખ થઈ હતી. બાદમાં સગીરાએ બંને યુવકોએ દુષ્કર્મ કર્યું હોવાની કબુલાત કરતા તારાપુર પોલીસે બંને શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ મામલો વડોદરા જિલ્લા પોલીસમાં મોકલતા ભાદરવા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ બાળક કોનું છે તે અંગે પોલીસ દ્વારા ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.