Rajkot,તા.૩૦
રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા ત્રંબા ગામે સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ’ગુમ’ હોવાના પોસ્ટરો લગાવ્યા છે. આ સાથે, ભાજપના નેતાઓના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. આ વાતની જાણ થતા જ ન્યૂઝ૧૮ની ટીમ ત્રંબા ગામે પહોંચી ત્યારે ગામની સમસ્યાઓ લઈને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોએ કહ્યું કે, ’ભાનુબેન બાબરીયા ગાયબ થઈ ગયા છે અને તેમને શોધી આપનારને અમે ૨૧૦૦૦ રૂપિયાનું ઈનામ આપીશું.’
ત્રંબા ગામના લોકોએ ન્યૂઝ ૧૮ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ચૂંટણી બાદ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા આ વિસ્તારમાં જોવા મળ્યા નથી.” આ રોષના ભાગરૂપે, ગામના લોકોએ રસ્તાઓ પર પોસ્ટરો લગાવીને ધારાસભ્યને શોધી આપનારને ૨૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત ગામમાં લગાવેલા પોસ્ટરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ’ભાજપના નેતાઓએ આ ગામમાં પ્રવેશ ન કરવો.’ પણ આવું અચાનક શા માટે? અંગે ત્રંબા ગામના સ્થાનિકોનું કહેવું છે કે, ’ગામનું ઐતિહાસિક સ્થળ ત્રિવેણી સંગમ નજીકનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે, જેના કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, ગામના બસ સ્ટેશનની સમસ્યા અને અન્ય સ્થાનિક મુદ્દાઓ પણ ઉકેલાયા નથી. તેમની સમસ્યાઓનું નિરાકરણ ન આવતાં તેઓ હવે આક્રોશ વ્યક્ત કરવા મજબૂર થયા છે. સાથે જ ગામના લોકોએ ભાજપના નેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા છે.
ત્રંબા ગામ નજીક આવેલું ત્રિવેણી સંગમ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું સ્થળ છે. આ સ્થળે જવા માટેનો કોઝવે પણ જર્જરિત હાલતમાં હોવાનું ગામલોકોનું કહેવું છે, જેના કારણે આવાગમનમાં જોખમ રહે છે. આ સમસ્યાને લઈને ગામલોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જેમણે ઇટાલિયન ચશ્મા પહેર્યા છે, તેમને વિકાસ દેખાતો નથી.” સાથે જ તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે, ગામમાં ત્રિવેણી સંગમ નજીકનો કોઝવે જર્જરિત હાલતમાં છે અને આ મુદ્દે તેઓ જિલ્લા પંચાયતમાં ધ્યાન દોરશે.
હાલ તો, આ રીતે અચાનક સ્ન્છ ગુમ થયાના પોસ્ટર અને ગામમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટર સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. જેથી આ ઘટના રાજકીય રીતે પણ ગરમાવો લાવી શકે છે, કારણ કે સ્થાનિક લોકોનો આક્રોશ ભાજપ અને તેના નેતૃત્વ સામે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. ગામની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આ આંદોલન વધુ તીવ્ર બની શકે છે.