Narmada, તા. 11
દેડીયાપાડાના આમ આદામી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની કાનૂની લડત વધુ મુશ્કેલ બની છે. હકીકતમાં નર્મદા જિલ્લા એડિશનલ સેશન્સ કોર્ટે વધુ એકવાર ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી છે.
અગાઉ ચૈતર વસાવાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જો કે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવતા જામીન અરજી પરત ખેંચવામાં આવી હતી. જે બાદ પુનઃ રેગ્યુલર જામીન માટે નર્મદા જિલ્લા એડિશનલ સેસન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલા જૂના ગુનાઓના આધારે ધારદાર દલીલો રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્ય દ્વારા અત્યાર સુધીમાં 11 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
તેમનો ગુનાહિત ઈતિહાસને ધ્યાનમાં લેતા જામીન આપવી યોગ્ય નથી. અગાઉ મારામારીના કેસમાં જામીન પર મુક્ત થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું હતુ.
સરકાર પક્ષે ધારાસભ્યોના સમર્થકો દ્વારા પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી અને એસ.પી કચેરીનો ઘેરાવ કરવાના વીડિયોને પણ દલીલમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને કોર્ટે ફરીથી ચૈતર વસાવાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. હવે આ નિર્ણયને ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરીથી હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા પડશે.