Amreli,તા.૩૦
અમરેલી જિલ્લાના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઇ પર જાફરાબાદમાં જીવલેણ હુમલો થયો હોવાના અહેવાલ છે. મોડી રાત્રે બોટ પાર્કિંગ બાબતે માથાકૂટ થઇ હતી. જેમાં હીરા સોલંકીના જમાઇ ચેતન શિયાળ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગંભીર ઇજા પહોંચતા ચેતન શિયાળને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને મામલે તપાસ હાથ ધરી છે.
જાફરાબાદ બંદરની ટી ટાઈપ જેટી પર ફરિયાદી ચંદ્રકાંતભાઈ શિયાળ અને અન્ય સાહેદો માછીમારી કરી પરત આવેલા હતા. જેથી માછલી ખાલી કરવા માટે ચંદ્રકાંતભાઈ અને અન્ય સાહેદો જેટી પર જઈ રહ્યા હતા. ત્યારે આ કામના આરોપી યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેકટર રસ્તામાં આડુ પડ્યું હતું. જે સાઈડમાં રાખવા માટે ચંદ્રકાંતએ કહેતા યશવંત બારૈયા સહિતના આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચંદ્રકાંતભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી. જેથી ચંદ્રકાંતભાઈના પુત્ર ચેતનભાઈ શિયાળ કે જે હાલ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ છે તેઓને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળ પહોંચ્યા હતા. જેને ઘટનાસ્થળે જોઈ આરોપીઓ ઉશ્કેરાયેલા હતા અને તેના પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી સોનાના ચેઈનની લૂંટ ચલાવી હતી.
જાફરાબાદની ટી જેટી પર હુમલાના બનાવમાં ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગરમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. જમાઇ ચેતન શિયાળ પર હુમલો થયો હોવાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી સમર્થકો સાથે તાબડતોબ ભાવનગર હોસ્પિટલ પહોંચ્યા હતા.
સમગ્ર મામલે તેમણે જણાવ્યું છેકે, ચેતન શિયાળ જીવલેણ હુમલો કરવામાં આવતા તેમને અમે ભાવનગર હોસ્પિટલ લાવ્યા છીએ. બનાવ અંગે એસપી અને જાફરાબાદ પીઆઇને જાણ કરવામાં આવી છે. અગાઉ પણ આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલો પોલીસના ધ્યાને મુકવામાં આવ્યો છે.




