Rajkot,તા.28
ઓપરેશન સિંદુર પાર્ટ-2ની તૈયારીના ભાગરૂપે રાજકોટ શહેર-જીલ્લામાં આવતીકાલે તા.29ને ગુરૂવારના સાંજના પાંચથી આઠ કલાક દરમિયાન મોકડ્રીલ આયોજીત કરવામાં આવી છે. જેમાં બ્લેકઆઉટ સહિતની તૈયારીઓ માટે આજે સાંજના કલેકટર કચેરી ખાતે વિવિધ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ખાસ બેઠક કલેકટર પ્રભવ જોશી દ્વારા બોલાવવામાં આવી છે.
જેમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજય સરકારના મુખ્ય સચિવ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. આવતીકાલે યોજાનારી આ મોકડ્રીલમાં સીવીલ ડીફેન્સની કવાયત કરવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ 22 દિવસ પૂર્વે ગુજરાતના વિવિધ શહેરોમાં મોકડ્રીલ યોજવામાં આવેલ.
ત્યારે રાજકોટ શહેર જીલ્લાની બાદબાકી કરવામાં આવી હતી. પરંતુ હવે ઓપરેશન સિંદૂર પાર્ટ-2ની તૈયારીના ભાગરૂપે આવતીકાલે આયોજીત કરાયેલ મોકડ્રીલમાં રાજકોટ શહેર જીલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે.
જેમાં બ્લેકઆઉટ સહિતની તૈયારીઓ માટે જરૂરી આયોજન ઘડી કાઢવામાં આવેલ છે. રાજય સરકારના માર્ગદર્શન મુજબ આજે સાંજના જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક આયોજીત કરવામાં આવી છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે પહેલગામના આતંકવાદી હુમલા બાદ આપણા લશ્કરી જવાનોએ નાપાક પાકિસ્તાન પર મીસાઈલ મારો ચલાવી ઓપરેશન સિંદૂર સફળતા સાથે પાર પાડયું હતું. જે બાદ ઓપરેશન સિંદૂર પાર્ટ-2ની તૈયારીના ભાગરૂપે આવતીકાલે મોકડ્રીલ આયોજીત કરવામાં આવી છે.