Tianjin,તા.૧૬
બેઇજિંગના તિયાનજિન શહેરમાં ચાલી રહેલ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન પરિષદ હજુ પૂરી થઈ નથી. વિદેશ મંત્રીઓના શિખર સંમેલન પછી, હવે રાષ્ટ્રાધ્યક્ષોની બેઠક પણ આવતા મહિને યોજાવાની છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે જણાવ્યું હતું કે આવતા મહિને યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના તિયાનજિન સમિટ અને સંબંધિત કાર્યક્રમોમાં ૨૦ થી વધુ દેશોના નેતાઓ અને ૧૦ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ ભાગ લેશે.
ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, આ શિખર સંમેલન ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન તિયાનજિનમાં યોજાશે. વાંગે એસસીઓ સેક્રેટરી જનરલ નુરલાન યર્મેકબાયેવ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય સભ્ય દેશોના નેતાઓ પણ તેમાં ભાગ લે તેવી શક્યતા છે.
અગાઉ યોજાયેલી પરિષદ વિદેશ મંત્રીઓની હતી, જેમાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકરે ભાગ લીધો હતો. આ પરિષદની રાજકીય તૈયારીઓ અંગે વિદેશ મંત્રીઓની આ મહત્વપૂર્ણ બેઠક તિયાનજિનમાં યોજાઈ હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર, રશિયાના સેરગેઈ લવરોવ, પાકિસ્તાનના ઇશાક ડાર અને ઈરાનના અબ્બાસ અરાઘચીએ મુખ્ય ભાગ લીધો હતો. આ બેઠકની અધ્યક્ષતા વાંગ યીએ કરી હતી.
આ બેઠક દરમિયાન જયશંકર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળ્યા. તેમણે જિનપિંગને ભારત-ચીન સંબંધોમાં થયેલી પ્રગતિની વિગતો આપી. આ સાથે,એલએસી પર શાંતિ અને સુમેળ અંગે પણ ચર્ચા થઈ. જયશંકર અને જિનપિંગે ભારત-ચીન સંબંધોને પ્રાદેશિક શાંતિ અને વૈશ્વિક શાંતિ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા.