Tianjin તા.1
શાંઘાઈ શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક નેતાઓ સાથેના અંગત સંબંધો ફરી એક વખત બહાર આવ્યા છે. એક તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ પણ મોદીને ખુશ કરવા માટે પ્રયત્ન કરતા હોય તેવું જણાતુ હતું.
તો બીજી તરફ આ શિખર બેઠક બાદ દ્વિપક્ષી મંત્રણા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન બંને એક જ કારમાં રવાના થયા હતા અને આ નેતાઓ માટે ચીનના રાષ્ટ્રપતિએ ખાસ રેડફલેગ અને અત્યંત સુરક્ષિત કાર આપી હતી.
વડાપ્રધાન મોદી અને પુટીન એક જ કારમાં સાથે જતા જોઈને અનેક રાષ્ટ્ર નેતાઓ દ્વારા આ કેમેસ્ટ્રીની નોંધ લેવામાં આવી હતી તો પુટીને પણ વડાપ્રધાન પ્રત્યે અત્યંત સન્માનજનક વર્તન દર્શાવ્યું હતું. એટલું જ નહી એસઓજીની બેઠકમાં બંને નેતાઓ જે રીતે વાતચીત કરતા હતા તેથી અન્ય તમામ નેતાઓને દુરથી જોવા સિવાય ભાગ્યે જ કોઈ વિકલ્પ રહ્યો હતો.
ખાસ કરીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ થોડે જ દુર ઉભા હતા પરંતુ પુટીન કે મોદીએ બંનેમાંથી કોઈએ શરીફને જરાપણ ભાવ આપ્યો ન હતો. એટલુ જ નહી જીનપીંગ પણ આ બંને સાથે જોડાયા હતા.
પુટીન સાથેની મુલાકાતમાં સંયુક્ત પ્રવાસ કર્યા બાદ વડાપ્રધાને સોશ્યલ મીડીયા હેન્ડલ પર લખ્યું કે દ્વીપક્ષીય બેઠક માટે એક સાથે એક જ કારમાં પ્રવાસ કરવો એ જ્ઞાનવર્ધક હોય છે.

