Tianjin,તા.1
ચીનના ઔદ્યોગીક શહેર તિયાનજીનમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરી રીતે છવાઈ ગયા હતા તો બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગથી લઈ રશિયાના રાષ્ટ્રવડા વ્લાદીમીર પુટીન અને અન્ય રાષ્ટ્રવડાઓએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જબરુ સન્માન આપ્યુ હતું અને પાક વડાપ્રધાન શાહબાઝ શરીફ તો જોતા જ રહી ગયા હતા.
ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે આ બેઠકનો ઉપયોગ અમેરિકાને આકરો સંદેશો આપવામાં પણ કર્યો હતો. તેમણે ટ્રમ્પનું નામ લીધા વગર જ અમેરિકી રાષ્ટ્રપતિ અને તે દેશ પર આકરો પ્રહાર કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ધમકીભર્યા વ્યવહાર, દાદાગીરી અને તાકાતની રાજનીતિ ચલાવી લેવાશે નહી.
તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે તટસ્થતા, ન્યાય અને બહુપક્ષીય વ્યવસ્થા પર ભાર મુકયો હતો. ખાસ કરીને અમેરિકા આ બેઠક પર નજીકથી નજર રાખી રહ્યું છે તે સંદર્ભમાં જીનપીંગની ટિપ્પણી સૂચક છે અને ખાસ કરીને અમેરિકા જે રીતે ભારત સહિતના દેશોને આકરા ટેરીફ મુદે ધમકાવે છે તે પણ તેઓએ સંદેશ આપી દીધો હોવાનું માનવામાં આવે છે.
તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીને અમેરિકાનું એ નિવેદન ફગાવ્યુ હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું ઈંધણ ભારત પુરુ પાડે છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા જવાબદાર ગણાવતુ નિવેદન પુટીને ફગાવતાની સાથોસાથ યુક્રેન સંકટ ઉકેલવામાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે, હું અલાસ્કામાં અમેરિકી રાષ્ટ્રપતિ સાથે જે મારે વાતચીત થઈ તે હું અહી હાજર નેતાઓ સાથેની દ્વીપક્ષીય બેઠકમાં બતાવીશ પણ ઉમેર્યુ કે યુક્રેન સંકટ કોઈ આક્રમણનું કારણ નથી. પરંતુ યુક્રેનમાં પશ્ચિમી દેશો તરફથી જે સતાપલ્ટાના પ્રયાસો કરાયા તેના કારણે આ સ્થિતિ બની છે. તેમણે એ પણ મુદો ઉઠાવ્યો કે અમેરિકાનું એ નિવેદન કોઈ અર્થ વગરનું છે કે આ મોદીનું યુદ્ધ છે અને શાંતિનો માર્ગ નવી દિલ્હીથી જઈ રહ્યો છે.