New Delhi
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટેરીફ વોરમાં હવે તા.2 એપ્રિલની ‘ડેડલાઈન’ નજીક આવતા જ ભારતે હવે ટ્રમ્પ ટેરીફનો મુકાબલો કરવા માટેની ‘રણનીતિ’ તૈયાર કરી છે અને તે સમયે જ અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાના આસી.વ્યાપાર પ્રતિનિધિ બ્રેડન લીંચ તેમની ટીમ સાથે વ્યાપાર મંત્રાલયની બેઠકો મહત્વની બની જશે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની આક્રમક જેવા સાથે તેવા ટેરીફ નીતિ જેમાં ભારત સહિતના દેશો અમેરિકી ઉત્પાદનો પર જે ટેરીફ દર લાગુ કરે છે તે જ દર અમેરિકા પણ તેમના દેશમાં થતી આયાત પર લાગુ કરશે અને તેમાં તા.2 એપ્રિલ નિશ્ર્ચિત કરી છે તે વચ્ચે હવે ભારતે અમેરિકી ટેરીફની આક્રમકતા ઘટાડવા માટે છેલ્લા 48 કલાકમાં મહત્વના નિર્ણય લીધા છે.
જેમાં અમેરિકી ટેક કંપનીઓ જેમાં ગુગલ, માઈક્રોસોફટ, મેટા વિ. પર જે ગુગલ ટેક્ષ તરીકે ઓળખાતો 1% વેરો હતો તે દુર કરી લીધા છે. જો કે અમેરિકાને તેનાથી સંતોષ નથી અને ખાસ કરીને અમેરિકી કૃષી ઉત્પાદનો પર ભારતમાં જે રીતે 100% સુધીના ટેરીફ છે તે ઘટાડવા અને અમેરિકી દાળ વિ.ની આયાત પણ સસ્તી બને તેના પર જોર લગાવી રહ્યા છે.
મહત્વપૂર્ણ રીતે ગઈકાલે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા જે ક્રુડતેલ ઉત્પાદનમાં મોખરે છે. તેના પર 25% ટેરીફની જાહેરાત કરતા જ હવે ભારતને માટે નવી ચિંતા ઉભી થઈ છે. એક તરફ રશિયન ક્રુડતેલ પરના પ્રતિબંધો ચાલુ જ છે ત્યાં હવે વેનેઝુએલા પર જ ખાસ ટેરીફ નહી વેનેઝુએલા પાસેથી જે ક્રુડતેલ ખરીદશે તે દેશો પર પણ 25% ટેરીફ લાદવાની જાહેરાત કરી છે.
ભારતે હાલમાં જ વેનેઝુએલા પાસેથી ક્રુડતેલ ખરીદવાનું શરૂ કર્યુ છે અને દેશની આયાતના 15% ક્રુડતેલ વેનેઝુએલામાંથી આવે છે. ટ્રમ્પને આ થર્ડ પાર્ટી ઈફેકટ ટેરીફ પણ તા.2 એપ્રિલથી લાગુ થશે. આમ એક આર્થિક યુદ્ધ જેટલી સ્થિતિ છે. જો કે વેનેઝુએલાએ તો ટ્રમ્પની ટેરીફ નીતિ પર આક્રમક પ્રતિભાવ આવ્યો છે.
વેનેઝુએલાની ટ્રેનગેંગને હાલમાં જ ટ્રમ્પે દેશમાંથી તડીપાર કર્યા બાદ પણ લાખો વેનેઝુએલા મૂળના નાગરિકો અમેરિકામાં ગુન્હાખોરીને વેગ આપે છે તેવા સહિતના કારણોથી ટ્રમ્પે આ ટેરીફ લાદયા છે.
આમ ભારતે હવે આ મોરચે પણ અમેરિકા સાથે ચર્ચા કરવી પડશે. જો કે વ્હાઈટ હાઉસે એવા સંકેત આપ્યા છે કે અમેરિકા તેના સહયોગી રાષ્ટ્રને કેટલાક ટેરીફમાંથી મુક્તિ કે રાહત આપી શકે છે. હજું મહત્વપૂર્ણ ફાર્મા, ઓટો વિ. પરના ટેરીફ મુદે અમેરિકાનું વલણ સ્પષ્ટ નથી.