ચીનમાં 6G શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ દુનિયાના અન્ય દેશો એ સેવા પ્રત્યે ખાસ રસ દર્શાવતા નથી, કારણ કે તે માટે ભારે ખર્ચ થવો પડે. જોકે, મોદી સરકારે ભારત 6G વિઝન માટે તૈયારી શરૂ કરી દીધી છે. 5G બાદ ભારત હવે ખૂબ જ ઝડપથી 6G ટેક્નોલોજી પર કામ કરશે. ભારતમાં હવે વોડાફોન-આઈડિયા દ્વારા પણ 5G સેવા શરૂ કરી દેવામાં આવી છે. એટલે કે મોટા ભાગની ટેલિકોમ કંપનીઓ હવે 5G સેવા પૂરી પાડી રહી છે. ધીમે-ધીમે તેઓ તેનું કવરેજ વધારશે અને સાથે-સાથે 6G પર પણ કામ શરૂ કરશે.
ચંદ્રશેખર પેમ્માસાનીના જણાવ્યા અનુસાર, ભારતમાં 6G ટેક્નોલોજીની ફ્રીક્વન્સી ટેરાહર્ટ્ઝ પર કામ કરશે, જે એક સેકન્ડમાં એક ટેરાબાઇટ સુધીની સ્પીડ પહોંચાડી શકે. એનો અર્થ એ છે કે ભારતમાં 6Gની સ્પીડ 5G કરતાં સો ઘણી વધારે હશે, જેની અસરથી લોકોની અનેક કામગીરી મિનિટથી સેકન્ડમાં થઈ જશે. મોટી-મોટી ફાઇલ ડાઉનલોડ અને અપલોડ થવામાં ફક્ત થોડાં જ સેકન્ડ્સ લાગશે. સ્ટ્રીમિંગ, ગેમિંગ અને વીડિયો કોલ માટે યુઝર્સ આ સેવા ખૂબ જ અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકશે.6G ટેક્નોલોજીના કારણે 2035 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા એક ટ્રિલિયન અમેરિકન ડોલરથી વધુ વધવાની શક્યતા છે. સામાન્ય જનતા માટે 6G સેવા ક્યારે ઉપલબ્ધ થશે, તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
ભારત હાલમાં 6G માટે તૈયારી કરી રહ્યું છે. ચંદ્રશેખર પેમ્માસાનીના જણાવ્યા મુજબ, ‘ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સ હાલમાં 6G ટેક્નોલોજી પર કામ કરી રહ્યાં છે, અને ભારત હવે દુનિયાભરમાં નેતૃત્વ કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. આપણી પાસે 6Gના રિસર્ચ અને ઇનોવેશન માટે પૂરતો સમય છે, જેના દ્વારા હાલની ઉદ્યોગ વ્યવસ્થાની સાથે નવી ઉદ્યોગ વ્યવસ્થાઓ પણ વિકાસ કરશે.’
5G બાદ ભારત હવે ખૂબ ઝડપથી 6G તરફ વધવાની તૈયારી કરી રહ્યું છે. મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન, ચંદ્રશેખર પેમ્માસાની, 6G 2025 કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે 111થી વધુ રિસર્ચ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ 300 કરોડ રૂપિયાનું ફંડ ફાળવી દેવામાં આવ્યું છે. ભારત દ્વારા 6G માટે પેટન્ટ પણ ફાઇલ કરવામાં આવી છે, અને ભારત દુનિયાના ટોચના 6 દેશમાં સામેલ થયું છે, જેમણે 6G પેટન્ટ નોંધાવ્યા છે.