Gandhinagar, તા.8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે અને વડોદરા તથા નવસારીમાં જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપવા સાથે 3પ,ર00 કરોડના કેન્દ્ર તથા ગુજરાત સરકારના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
પ્રથમ વખત વડોદરા ખાતેના કાર્યક્રમમાં રેમ્પ વોક સ્ટાઇલમાં એન્ટ્રી કરીને જેન-ઝી સાથે સંવાદ કરશે આ કાર્યક્રમ માટે બુક માય શો મારફત ટીકીટનું વેંચાણ કરીને સંપૂર્ણ પ્રોફેશ્નલ ટચ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 35,200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું વડાપ્રધાન લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરશે. તેમાં 32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા 2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે તેમાં કેન્દ્ર સરકારના 32,606 કરોડથી વધુના વિકાસકાર્યોમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)ના 1,840.55 કરોડના પ્રોજેક્ટ્સ સામેલ છે.
NHAI હેઠળ ખાતમુહૂર્ત થનારા પ્રોજેક્ટ્સમાં NH-48ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પરના મુખ્ય પુલ સહિતના માળખાંનું 907.39 કરોડના ખર્ચે નિર્માણકાર્ય, કામરેજ-ચલથાણ સેકશનના છ માર્ગીય કેરેજવેનું 686.15 કરોડનું કામ તથા NH-53 પર આભવા, મીંઢોળા અને ખજોદ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું 187.11 કરોડના ખર્ચે નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, NH-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે 59.90 કરોડના ખર્ચે નિર્મિત છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે.
ભારતીય રેલવે હેઠળ 30,766 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. 20,703 કરોડના ખર્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ વિભાગો—ન્યૂ સાણંદ (N)–ન્યૂ મકરપુરા (138 કિ.મી.), ન્યૂ ઉમરગામ–ન્યૂ સફાળે (86 કિ.મી.) અને ન્યૂ સફાળે–ન્યૂ JNPT (102 કિ.મી.)—નું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ, 8,885 કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વડોદરા ખાતે ગુજરાત સરકારના 2,597 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, IMD-GIDC, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ હેઠળના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

