Keral,તા.02
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કેરળના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ ઉદ્ધાટન સમયે તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ સામેલ થયા હતાં.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અહીં મુખ્યમંત્રી વિજયન પણ બેઠા છે, તે તો INDIA ગઠબંધનનો મજબૂત સ્તંભ છે. શશિ થરૂર પણ બેઠા છે. આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. જ્યાં આ મેસેજ જવાનો હતો, ત્યાં પહોંચી ગયો છે.’
વધુમાં PMએ આદિ શંકરાચાર્ય વિશે વાત કરતાં કહ્યું કે, ‘આજે ભગવાન આદિ શંકરાચાર્યજીની જયંતિ છે. ત્રણ વર્ષ પૂર્વે સપ્ટેમ્બરમાં મને તેમની જન્મભૂમિમાં જવાનું સૌભાગ્ય મળ્યુ હતું. કેરળથી નીકળી દેશના ચારે ખુણામાં મઠની સ્થાપના કરી આદિ શંકરાચાર્ય જ રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરી છે. હું તેમને નમન કરૂ છું.’
વિઝિંજમ પોર્ટ આશરે રૂ. 8800 કરોડના ખર્ચે તૈયાર થયું છે. તેની ટ્રાન્સશિપમેન્ટ હબ ક્ષમતા આગામી સમયમાં ત્રણ ગણી વધશે. તેને મોટા કાર્ગો જહાજને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે. અત્યારસુધી ભારતની 75 ટકા ટ્રાન્સશિપમેન્ટ ગતિવિધિઓ પોર્ટ પરથી થતી હતી. જેના પરિણામરૂપે દેશને મોટું નુકસાન થતુ હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. પહેલાં વિદેશોમાં ખર્ચાતું ધન હવે સ્થાનિક વિકાસમાં ઉપયોગમાં લેવાશે. જેનાથી વિઝિંજમ અને કેરળના લોકો માટે નવી આર્થિક તકોનું સર્જન થશે.