Gyeongju તા.29
દક્ષિણ કોરિયામાં એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ સંમેલનમાં સામેલ થવા પહોંચેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એક વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપુર પ્રશંસા કરી હતી અને એ પણ કહ્યું કે બહુ જલ્દી ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજુતી થઈ જશે.
શ્રી ટ્રમ્પે તેમની સ્ટાઈલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી શાનદાર દેખાવવાળા વ્યક્તિ ગણાવ્યા અને કહ્યું કે તેઓ ફાધરની કક્ષાના છે. વડાપ્રધાન મોદી જબરદસ્ત છે અને મજબૂત નેતા પણ છે. આમ કહીને તેને વડાપ્રધાન મોદીની ભરપુર પ્રશંસા કરવાની સાથે એ પણ દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને ખત્મ કરવા તેઓએ વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી.
ટ્રમ્પે આ ઉપરાંત લાંબા સમયથી બંને દેશો વચ્ચે વ્યાપાર સમજુતી મુદે જે વિવાદ ચાલે છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત સાથે બહુ જલ્દી વ્યાપાર સમજુતી થઈ જશે. એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે ચાલતી વાટાઘાટોમાં સમજુતી કઈ તબકકે છે તે અંગે હજુ કોઈ સંકેત નથી અને રશિયન ક્રુડતેલ ખરીદવા મુદે અમેરિકા સતત ભારત પર દબાણ લાવી રહ્યું છે.
તે વચ્ચે પોતાની એશિયાની યાત્રાના અંતિમ તબકકામાં ટ્રમ્પ સાઉથ કોરિયા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજુતી આખરી તબકકામાં છે અને હાલના 50 ટકા અમેરિકી ટેરીફ ઘટીને 15 ટકા થઈ જશે. હાલમાં જ કવાલાલુમ્પુરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ હતું પરંતુ તેઓ ગયા ન હતા.
ટ્રમ્પે ફરી એક વખત વડાપ્રધાન મોદી માટે કીલર શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું કે તેઓ બહુ ટફ વ્યક્તિ છે. ટ્રમ્પે એવું પણ કહ્યું કે શું હું જે મોદીને ઓળખુ છું તે આ જ વ્યક્તિ છે. તેમણે દાવો કર્યો કે મે વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે અમે તમારી સાથે વ્યાપાર સમજુતી નહી કરીએ કારણ કે તમે પાકિસ્તાન સાથે લડી રહ્યા છો.
મે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે આ જ રીતે વાતચીત કરી હતી અને બંને દેશો પર 250 ટકા ટેરિફ લાદવાની ચેતવણી પણ આપી અને 48 કલાક બાદ યુદ્ધનો અંત આવ્યો. ટ્રમ્પે કહ્યું કે સાત વિમાનો તોડી પડાયા પણ લાખો લોકોના જીવન બચાવ્યા હતા.

