Surat તા.15
બિહારમાં ગઈકાલે વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે દેશભરમાં ભાજપમાં જબરો ઉજવણીનો માહોલ છે તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચતા જ તેનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથોસાથ વડાપ્રધાનના વિદાય સમયે સુરત એરપોર્ટ પર અહીં વસતા 15 હજાર બિહારી નાગરીકો પણ વડાપ્રધાનનું અભિવાદન કરશે. શ્રી મોદીએ આજે દિલ્હીથી સુરત આવી પહોંચતા બુલેટ ટ્રેન સ્ટેશન અંકોલી પહોંચ્યા હતા જયાં તેઓએ નવા સ્ટેશનની વ્યવસ્થા નિહાળી હતી.
બાદમાં શ્રી મોદી નર્મદા જીલ્લામાં ડેડીયાપાડાની મુલાકાત તે જતા પૂર્વે અહીં આદીવાસીઓના દેવમોગરા મંદિરમાં શ્રી મોદીએ દર્શન કર્યા હતા. આરતી અને પૂજા પણ કરી હતી અને ભગવાનને કેસરીયા વો પણ પહેરાવીને આદિવાસી સાથે સમગ્ર દેશ માટે પ્રાથર્ના કરી હતી.
ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આદીવાસી માટે દેવમોગરા પાંડોરી માતા કુળદેવી તરીકે પૂજાય છે અને મંદિરે દર્શન કર્યા બાદ શ્રી મોદીએ ડેડીયાપાડા પહોંચતા જ જબરો રોડ શો પણ કર્યો હતો જેમાં માર્ગના બન્ને તરફ આદીવાસીઓએ તેમના પરંપરાગત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક રજુ કરી હતી.
શ્રી મોદી બાદમાં અહીં રૂા.9700 કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ કરશે અને બાદમાં તેઓ દિલ્હી રવાના થતા પૂર્વે ચાર વાગ્યે સુરત એરપોર્ટ નજીક બિહારી સમુદાયના લોકોને મળશે. શ્રી મોદીનું સ્વાગત કરવા માટે અહીં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.

