New Delhi,તા.06
ટેરિફ સહિતના મુદે અમેરિકા સાથેના ભારતના સંબંધોમાં તનાવ અને અમેરિકી ડિપ્લોમેટ દ્વારા ભારત-વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનું યથાવત રખાયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માસમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાની બેઠકમાં હાજરી આપશે નહી.
રાષ્ટ્રસંઘની મહાસભા જે દર વર્ષે સપ્ટેમ્બર માસના અંતિમ પખવાડિયામાં સામાન્ય રીતે યોજાય છે. તેમાં આ વર્ષે 80મું સત્ર તા.9થી શરૂ થઈ રહ્યું છે અને તા.23-29 સપ્ટેમ્બર વચ્ચે વિશ્વના ટોચના દેશોના રાષ્ટ્રવડાઓ તેને સંબોધન કરનાર છે જેનો પ્રારંભ બ્રાઝીલથી થશે.
તા.23ના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રસંઘને સંબોધન કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સંભવીત તા.27 સપ્ટેમ્બર નિશ્ચિત થઈ હતી અથવા તેઓ તા.23 બાદ કોઈપણ દિવસે સંબોધન કરી શકે તેમ હતા પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસંઘ બેઠક માટે અમેરિકા નહી જવા નિર્ણય લીધો છે.
રાષ્ટ્રસંઘ દ્વારા વકતાઓની જે યાદી તૈયાર થઈ છે તેમાં તા.27ના રોજ ભારતનું સંબોધન `એક-મંત્રી’ કરશે તેવું જણાવાયું છે અને તા.27ના રોજ વિદેશમંત્રી એસ.જયશંકર રાષ્ટ્રસંઘમાં સંબોધન કરશે તે નિશ્ચિત બન્યુ છે.
અગાઉ એક સંભવિત વકતાઓની યાદીમાં શ્રી મોદી તા.26ના રોજ રાષ્ટ્રસંઘને સંબોધન કરશે તેવુ જણાવાયુ હતું. તા.26ના ચીન-ઈઝરાયેલ-પાકિસ્તાન બાંગ્લાદેશના સંબોધન માટે સમયગાળો નિશ્ચિત થયો છે પણ હવે સતાવાર યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન નથી.
શ્રી મોદી છેલ્લે ગત ફેબ્રુઆરીમાં અમેરિકા ગયા હતા અને વ્હાઈટહાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક યોજી હતી પણ બાદમાં ટેરિફ મુદે ભારત-અમેરિકા વચ્ચે ટકકર શરૂ થઈ છે જેમાં ઈચ્છા મુજબ તે દેશના કૃષી-ડેરી ઉત્પાદનો માટે ભારતે તેના બજારો ખોલવાનો ઈન્કાર કરી દેતા અને ખાસ કરીને રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી મુદે અમેરિકાએ કુલ 50% ટેરીફ ભારત પર લાદી દીધા છે.
બીજી તરફ ભારત-રશિયા-ચીનના સંબંધોથી અમેરિકા વધુ આક્રમક બન્યુ છે. ઉપરાંત ટ્રમ્પ શાસનના વાણિજય-વિદેશ સહિતના વિભાગોના ડિપ્લોમેટ ભારત-વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગમે તેવા શબ્દોનો ઉપયોગ કરે છે. આમ બન્ને દેશો વચ્ચેની કડવાશ વધતી ગઈ છે.
અગાઉ વડાપ્રધાનની કેનેડા યાત્રા સમયે પણ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ટેરીફ મુદે અમેરિકા આવી જવા કહ્યું હતું પણ મોદીએ અન્ય શેડયુલનું કારણ દર્શાવી ઈન્કાર કર્યો હતો તો હવે રાષ્ટ્રસંઘની બેઠકમાં પણ અમેરિકી રાષ્ટ્રવડા સાથે મુલાકાત માટે વડાપ્રધાન તૈયાર નથી. બીજી તરફ ટ્રમ્પનો આ વર્ષના તેમનો કવાડ બેઠક માટે ભારતનો પ્રવાસ પણ રદ થયો છે.