Mumbai,તા.૧૫
ભારત લોર્ડ્સ ટેસ્ટ મેચ હારી ગયું છે. મેચના પાંચમા દિવસે બીજી ઇનિંગમાં મોહમ્મદ સિરાજ આઉટ થયા બાદ ટીમ ઇન્ડિયા હારી ગઈ. બીજી ઇનિંગમાં ભારતને જીતવા માટે ૧૯૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. મેચના છેલ્લા સત્રમાં ટીમ ઇન્ડિયા ૧૭૦ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને જીતવા માટે ૨૩ રનની જરૂર હતી, પરંતુ શોએબ બશીરે સિરાજની વિકેટ લઈને ઇંગ્લેન્ડને જીત અપાવી.
બશીરના બોલનો સિરાજે ડિફેન્સ કર્યો. બોલ નીચે ગયો અને ધીમે-ધીમે વિકેટ તરફ ગયો. બોલ વિકેટ પર લાગતાની સાથે જ બેઇલ નીચે પડી ગઈ અને સિરાજની ઇનિંગનો અંત આવ્યો. આ રીતે કરોડો ભારતીય ફેન્સના દિલ પણ તૂટી ગયા. સિરાજ ત્યાં બેસીને રડવા લાગ્યો. તે એક ભાવુક કરનારી ક્ષણ હતી. ભારતે આ મેચ જીતવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ એક બોલે બધાને નિરાશ કર્યા.
સિરાજને રડતો જોઈને ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટ તેની પાસે ગયો. તેમણે સિરાજને ગળે લગાવ્યો અને તેને શાંત પાડ્યો. આ પછી ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે રવિન્દ્ર જાડેજાને ગળે લગાવ્યો. જાડેજા ૬૧ રન બનાવીને અણનમ રહ્યો. જાડેજાએ ભારતની આશા જીવંત રાખી હતી. જાડેજાએ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે મળીને ઈંગ્લેન્ડને જીત માટે ઘણું તડપાવ્યું હતું.
મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડ બીજી ઈનિંગમાં ૧૯૨ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ અગાઉ, બન્ને ટીમોએ પ્રથમ ઈનિંગમાં ૩૮૭-૩૮૭ રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઇન્ડિયાને જીતવા માટે ૧૯૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારત ૧૭૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતની બીજી ઈનિંગમાં જાડેજાએ અણનમ ૬૧ અને કેએલ રાહુલે ૩૯ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સે બીજી ઈનિંગમાં ૩-૩ વિકેટ લીધી. ઇંગ્લેન્ડ હવે સિરીઝમાં ૨-૧થી આગળ છે. ચોથી ટેસ્ટ ૨૩ જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે.