Mumbai,તા.16
એશિયા કપ 2025 વચ્ચે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ માટે મોટા સમાચાર આવ્યા છે. મોહમ્મદ સિરાજે પોતાની જોરદાર બોલિંગના આધારે ICC પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યો છે. મોહમ્મદ સિરાજ હાલમાં એશિયા કપ 2025માં ટીમનો ભાગ નથી.
ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં તેના યાદગાર પ્રદર્શનને કારણે તેને ઓગસ્ટ મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થનો સન્માન મળ્યો છે. મોહમ્મદ સિરાજે ન્યુઝીલેન્ડના મેટ હેનરી અને વેસ્ટ ઈન્ડીઝના જેડેન સીલ્સને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો.
મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની નિર્ણાયક પાંચમી મેચના છેલ્લા દિવસે શાનદાર બોલિંગ કરી અને ભારતને 6 રનથી રોમાંચક જીત અપાવી. તેને આખી મેચમાં 9 વિકેટ લીધી, જેમાં પહેલી ઈનિંગમાં 4 વિકેટ અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી. તેની બોલિંગને કારણે ભારતીય ટીમ સિરીઝ 2-2 થી બરાબર કરવામાં અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ડ્રો કરવામાં સફળ રહી.એવોર્ડ જીત્યા પછી મોહમ્મદ સિરાજે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે સિલેક્ટ થવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સિરીઝ ખૂબ જ યાદગાર હતી અને તે તેના કરિયરની સૌથી મુશ્કેલ સ્પર્ધાઓમાંની એક હતી. તેને ગર્વ છે કે તે મહત્વપૂર્ણ સમયે ટીમમાં યોગદાન આપી શક્યો. ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં તેમની મજબૂત બેટિંગ લાઈનઅપ સામે બોલિંગ કરવી પડકારજનક હતી પરંતુ તેનાથી તેનામાં શ્રેષ્ઠતા બહાર આવી.
મોહમ્મદ સિરાજે વધુમાં કહ્યું કે આ એવોર્ડ તેમનો એટલો જ છે જેટલો તેમના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો છે. તેમના સતત પ્રોત્સાહન અને વિશ્વાસે તેમને પ્રેરણા આપી. તે સખત મહેનત કરવાનું ચાલુ રાખશે અને ભારતીય જર્સી પહેરીને હંમેશા પોતાનું બેસ્ટ પ્રદર્શન કરશે.
મહિલા સિરીઝમાં આયર્લેન્ડની ઓલરાઉન્ડર ઓર્લા પ્રેન્ડરગાસ્ટને ઓગસ્ટ મહિનાની પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવી હતી. તેણે પાકિસ્તાન સામેની ઘરેલુ T20 સિરીઝમાં 144 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી, જેના કારણે ટીમે સિરીઝ 2-1થી જીતી. આ સિવાય તેણે ICC મહિલા T20 વર્લ્ડકપ યુરોપ ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું, ઓગસ્ટ મહિનામાં કુલ 244 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી. પ્લેયર ઓફ ધ મન્થ તરીકે સિલેક્ટ થવા પર ઓર્લા પ્રેન્ડરગાસ્ટે કહ્યું કે તે આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છે અને તે ICC અને તેના માટે મતદાન કરનારા તમામ લોકોનો આભાર માનવા માગે છે. તેણી તેના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર માને છે.