New Delhi,તા.11
આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું કે, 75 વર્ષની વય પૂર્ણ કર્યા બાદ લોકોએ અન્યને પણ કામ કરવાની તક આપવી જોઈએ. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં સંઘ વડાએ જણાવ્યું કે, 75 વર્ષ પૂર્ણ થયા બાદ કોઈપણ નેતાને જ્યારે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે, તો તેનો અર્થ એ છે કે, તેમની ઉંમર થઈ ચૂકી છે. હવે અન્યને તક આપો.
આરએસએસના વડાએ નવ જુલાઈના રોજ રામ જન્મભૂમિ આંદોલનના પ્રેરક દિવંગત મોરોપંત પિંગલે પર લખાયેલા પુસ્તકના વિમોચન સમારોહમાં મોરોપંત પિંગલે સાથેનો એક પ્રસંગ યાદ કરતાં આ નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતના આ નિવેદન પર વિપક્ષે કટાક્ષ કર્યો છે કે, ભાગવતે આ નિવેદનના માધ્યમથી વડાપ્રધાન મોદીને સંદેશ પહોંચાડ્યો છે. તેઓ આ વર્ષે 75 વર્ષના થઈ રહેલા પીએમ મોદીને આડકતરી રીતે અન્યને તક આપવાનો સંદેશ પહોંચાડ્યો છે.
‘મોરોપંત પિંગ્લેઃ ધ આર્કિટેક્ટ ઓફ હિન્દુ રિસર્જન્સ’ શીર્ષક હેઠળના પુસ્તકનું વિમોચન કર્યા બાદ મોહન ભાગવતે આરએસએસના વરિષ્ઠ નેતા મોરોપંતની વિનમ્રતા, દૂરંદેશી અને જટિલ વિચારોને સરળ ભાષામાં સમજાવ્યા હતાં. તેમણે દિવંગત મોરોપંતજી સાથેનો એક પ્રસંગ રજૂ કરતાં કહ્યું કે, ‘મોરોપંતજીએ કહ્યું હતું કે, 75 વર્ષ બાદ શાલ ઓઢાડવામાં આવે તો સમજવું કે, હવે તમારૂં કામ પૂરું થયું, અન્યને કામ સોંપો.’
હવે આ નિવેદન વિપક્ષ માટે 75 વર્ષે રિટાયરમેન્ટનો મુદ્દો બન્યો છે. વિપક્ષના વિવિધ નેતાઓએ વડાપ્રધાન મોદી અને સંઘના વડાને પણ આડકતરી રીતે રિટાયરમેન્ટ લેવાની સલાહ આપતાં કટાક્ષ કર્યા છે.
મોહન ભાગવતના આ નિવેદનની કોંગ્રેસે ટીખળ કરી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે મજાકમાં કહ્યું કે, ‘PM મોદી પરત ફરતાં જ સંઘના વડા દ્વારા યાદ અપાવવામાં આવ્યું કે, 17 સપ્ટેમ્બર, 2025ના રોજ તેઓ 75 વર્ષના થશે. પરંતુ PM આરએસએસના વડાને પણ કહી શકે છે કે, તેઓ પણ 11 સપ્ટેમ્બર, 2025ના રોજ 75ના થશે. એક તીર, બે નિશાન’
શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પણ આ નિવેદન અંગે ટિપ્પણી કરી હતી કે, વડાપ્રધાન મોદીએ અડવાણી, મુરલી મનોહર, જસવંત સિંહ જેવા મોટા નેતાઓને જબરદસ્તી રિટાયરમેન્ટ અપાવ્યું હતું. હવે જોવાનું એ રહેશે કે, શું મોદી સ્વંય તેનું પાલન કરશે કે કેમ? નોંધનીય છે કે, પીએમ મોદીની જન્મ તારીખ 17 સપ્ટેમ્બર, 1950 છે. આ વર્ષે તેઓ 75 વર્ષના થશે.




