વેપારીઓ પોલીસ કમિશ્નર કચેરીએ ન્યાયની માંગણી સાથે દોડી ગયા
Rajkot,તા.15
શહેરમાં વધુ એક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. કિચનવેરના 19 જેટલાં વેપારીઓ પાસે માલ ખરીદી તેમજ હાથ ઉછીના નાણાં મેળવી બે શખ્સો ભૂગર્ભમાં ઉતરી જતાં ભોગ બનનાર વેપારીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયા હતા. કુલ રૂ. 38.60 લાખની ઠગાઈ મામલે ભોગ બનનાર વેપારીઓએ પોલીસને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી.
સમગ્ર મામલામાં મયુરભાઈ મનસુખભાઈ સખીયાનામના વેપારીએ પોલીસ કમિશનરને સંબોધી કરેલી લેખિત અરજી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રોયલ મેન્યુફેક્ચર નામથી ભાગીદારી પેઢીથી કિચનવેરને લગતો વ્યવસાય કરું છું. અમારો પ્લાન્ટ ગોંડલ રોડ પર કિસાન પેટ્રોલ પંપની પાછળ સરદાર ગૌશાળા નજીક સર્વે નંબર-316 પ્લોટ નંબર-1 માં આવેલો છે. જ્યાં અમે કિચનવેરને લગતી સામગ્રીનું ઉત્પાદન કરીએ છીએ.
ફરિયાદીએ આરોપી તરીકે અરવિંદભાઈ કાથરોટીયા અને મનસુખભાઈ પણસાલા એમ બંને શખ્સોનું નામ આપતાં જણાવ્યું હતું કે, અમે કિચનવરનો વ્યવસાય ધરાવતા હોય અને બંને આરોપી પણ અમારા જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેમજ અમારી પાસેથી છેલ્લા દસ વર્ષથી માલની ખરીદી કરતા હોય જેથી અમે ધંધાકીય સંપર્ક ધરાવતા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ધંધાકીય સંબંધ હોવાના દાવે આરોપીઓએ અમારો વિશ્વાસ કેળવી લીધો હતો અને અવારનવાર તેઓ ધંધાના વિકાસ માટે અમારી પાસે હાથ ઉછીના નાણા લઈ જતા હતા અને સમયાંતરે પરત પણ આપી જતા હતા જેથી ધંધાકીય સંબંધ મિત્રતામાં કેળવાયો હતો. બાદ થોડા સમય પહેલા બંને શખ્સોએ તેમના ધંધાના વિકાસ માટે રૂ.2.73 લાખની જરૂરિયાત ઊભી થતા અમારી પાસેથી રૂ.2.73 લાખની માંગણી કરેલ હતી જેથી અમારે ધંધાકીય સંબંધ હોય અમે આરોપીઓને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા.
આરોપીઓએ આપેલ વિશ્વાસને પગલે ફરિયાદીએ વધુ એક માસ રાહ જોયા બાદ પણ પૈસા પરત નહીં આપતા ફરીવાર આરોપીઓને ફોન કરતા તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બાદમાં થોડો સમય જતા અરજદારે ફરીવાર ફોન કરતા આરોપીઓએ ફોન રિસીવ કરી ગાળો આપી તારા પૈસા નથી આપવા, તારાથી થાય તે કરી લેજે અને પોલીસ ફરિયાદ કરવી હોય તો પણ કરી દેજે, અમે ત્યાં પણ સેટિંગ કરીને નીકળી જઈશું અને તું અમારું કંઈ બગાડી નહીં શકે, હવે તારા પૈસા માંગવા માટે અમને ફોન કરીશ નહીં, જો તું પૈસાની ઉઘરાણીમાં ફોન કરીશ તો ત્યાં આવીને માર મારીશું તેવી ધમકી આપી રૂ.2.73 લાખની ઠગાઈ આચરી હતી.
આ પ્રકારે બંને ભાગીદારોએ કિચનવેરના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી સહિતના 19 વેપારીઓ પાસેથી માલ ખરીદી અને રોકડ હાથ ઉછીના લઇ કુલ રૂ. 38.60 લાખની રકમ ઓળવી ભૂગર્ભમાં ઉતરી જતાં અંતે વેપારીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયા હતા અને ગુનો નોંધી પૈસા પરત અપાવવા માંગ કરી હતી.