Jamnagar તા.28
જામનગરની જી.જી. હોસ્પિટલ ફરીથી ચર્ચાના ચકડોળે ચડી છે. સેનેટરી ઇન્સ્પેક્ટર અને એક સાથીદારે કર્મચારીના પગારના ખોટા બિલ બનાવી કૌભાંડ આચર્યું હોવાનું ભોપાળું છતું થતા ખળભળાટ મચી ગયો છે. જી.જી. હોસ્પિટલમાં ફરજ પર ન હોય તેવા કર્મચારીના સાત માસના પગારના બિલો મંજૂર કરાવી લીધાનું બહાર આવ્યું.
દર મહિનાના 12,839 લેખે સાત મહિનાના 89,873 રૂપિયાના પગાર બિલ બનાવી જી.જી. હોસ્પિટલની વહીવટી કચેરી ખાતેથી મંજૂર કરાવી દીધા હતા. છેતરપિંડી થયાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ પ્રકરણની સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. જે હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા અને નંદનપાર્ક રામેશ્વર નગર જામનગરમાં રહેતા ડોક્ટર પ્રમોદકુમાર રામદાસ સકસેનાએ આરોપી અને એમ જે સોલંકી કંપનીના આઉટસોરથી સેનેટરી ઇન્સ્પેક્ટર મકસુદ પઠાણ અને રાજેન્દ્રસિંહ ધીરુભાઈ જાડેજા નામના જીજી હોસ્પિટલના વર્ગ-4 ના કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી મકસૂદ પઠાણએ જામનગરની હોસ્પિટલમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ઓફિસમાં નોકરી કરતા હોય અને તે દરમિયાન પોતાના હોદાનો દુરુપયોગ કરી આઉટસોર્સના કર્મચારી કિશન જગદીશભાઈ ગઢવી જેવો નોકરી પર ન આવતા હોવા છતાં આરોપી રાજેન્દ્રસિંહ ધીરુભાઈ જાડેજાએ તેઓની ખોટી હાજરી પૂરી લીધી હતી. તેના સહયોગમાં આરોપી મગસૂદ પઠાણે હાજરીપત્રકો બનાવી તેમાં સહી કરી હતી.
માસિક પગાર રૂા.12,839 લેખે કુલ સાત મહિનાના 89,873 રૂપિયાનું બિલ બનાવી લીધું હતું. એટલું જ નહીં હોસ્પિટલની વહીવટી કચેરી ખાતેથી આ રૂપિયા મંજુર કરાવી લીધા હતા અને સરકારી નાણા હડપ કરી લીધા હતા.
જે ફરિયાદના આધારે પોલીસે બંને શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને હાલ આ પ્રકરણની સીટી બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ વી.એન. ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે જી.જી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. દીપક તિવારીએ જણાવ્યું કે સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેના એક સાથીદારે ફરજ પર ન હોય તેવા કર્મચારીના સાત માસના પગારના બિલો મંજૂર કરાવી લીધાનું બહાર આવ્યા બાદ તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક દ્રષ્ટીએ કૌભાંડ બહાર આવ્યું છે.
આરોપીઓએ જી.જી. હોસ્પિટલની વહીવટી કચેરી ખાતેથી રૂપિયા મંજૂર કરાવી દીધાનું સામે આવતા જી.જી. હોસ્પિટલના આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટરના સેનેટરી ઇન્સ્પેક્ટર મકસુદ પઠાણ તેમજ જી.જી. હોસ્પિટલના વર્ગ ચારના કર્મચારી રાજેન્દ્રસિંહ ધીરુભા જાડેજા સામે સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસ ફરિયાદ બાદ પોલીસ આ પ્રકરણની ઊંડી તપાસ કરી રહી છે.