રૂ. 2.15 લાખની રોકડ સાથે માધાપર ચોકડી નજીકથી ચારને ઝડપી લેતી એલસીબી ઝોન-2 ટીમ : બે મહિલાઓ સહીત ત્રણની શોધખોળ
Rajkot,તા.28
શહેરના મોરબી રોડ ઉપર રહેતા તબીબ દંપતિને પાંચ લાખ રૂપિયામાં એક કિલો સોનું આપવાની લાલચ આપી પૈસા પડાવી લેનાર સલાટ વાંદરી ગેંગના ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ ટોળકીએ પાંચ વર્ષની અંદર શહેરમાં પાંચ શિકાર કર્યાની કબૂલાત આપી છે. ગેંગમાં મહિલા સહિત સાત લોકો સામેલ છે. જેમાંથી ચારને ર.૧૫ લાખની રોકડ સાથે એલસીબી ઝોન-2 ટીમે દબોચી લીધા હતા. જ્યારે તબીબ દંપતિ પાસેથી મેળવેલી પાંચ લાખની રકમમાંથી અમુક રકમ ફરાર થઈ ગયેલા ત્રણ લોકો પાસે હોય તેમને પકડી પૈસા રિકવર કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગત અનુસાર શહેરના મોરબી રોડ પર ક્લિનિક ધરાવી તબીબી પ્રેક્ટિસ કરતા ડૉ. ધવલ મોલીયા પાસે દર્દીનો સ્વાંગ રચી આવેલા શખ્સને ખોદકામ કરતી વેળાએ સોના અને ચાંદીમાં દાગીના મળી આવ્યાનું જણાવી તબીબને રૂ. 5 લાખમાં એક કિલો સોનુ આપવાની લાલચ આપી નકલી સોનુ ધાબડી રૂ. 5 લાખ મેળવી ઠગ ટોળકી ફરાર થઇ ગઈ હતી. જે મામલે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો હતો. માધાપર ચોકડી પાસે મોરબી બાયપાસ રોડ પર પુલ નીચેથી રિક્ષામાં શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા ઈશ્વર ઉર્ફે પટીયો વિરાભાઈ વાઘેલા (રહે.અમદાવાદ), અર્જુન પન્નાભાઈ સોલંકી (ઉ.વ.૩૮, રહે.રાજકોટ), મોહન ઉર્ફે મન્યો ભગવાનભાઈ પરમાર (ઉ.વ.૨૫, રહે.રાજકોટ) અને હિરા રામાભાઈ રાઠોડ (ઉ.વ.૨૫, રહે. રાજકોટ)ને રૂ. 2.15 લાખની રોકડ મળી કુલ રૂ. 2.85 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે તબીબ દંપતિને છેતરીને પાંચ લાખ પડાવી લેવાના ગુનામાં હિરાબેન કસ્તુરભાઈ મારવાડી (રહે. અમદાવાદ), કાનુબેન રામાભાઈ રાઠોડ (રહે. રાજકોટ) અને પત્રી અર્જુનભાઈ સોલંકી (રહે. રાજકોટ) પણ સામેલ હોય તે પોલીસના હાથમાં આવ્યા ન્હોતા.
આ ટોળકીમાં સામેલ અર્જુન અને હિરાબેન તેમજ તેના પુત્ર માનસીંગે મળી ચોટીલામાં ખોટું સોનું ધાબડી અઢી લાખ, દોઢ વર્ષ પહેલાં અર્જુન, હિરા અને માનસિંગે પેડક રોડ પર બાલક હનુમાનજીના મંદિર પાસે ખોટું સોનુ ધાબડી અઢી લાખ, પાંચ વર્ષ પહેલાં અર્જુન, હિરા અને માનસીંગે પારેવડી ચોક, કેસરી પુલ નીચે પોરબંદરથી આવેલા એક શખ્સને ખોટું સોનું પધરાવી ૧૨ લાખ અને આઠ મહિના પહેલાં અર્જુન, હિરા અને માનસીંગે ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે ચાની હોટેલ ધરાવતાં શખ્સને ખોટું સોનું ધાબડી ૫૦ હજાર પડાવી લીધા હોવાની કબૂલાત આપી હતી.